બનાસકાંઠા: ખાનગી બસના કંડક્ટર પાસેથી લાખો રુપિયાના બંડલ ભરેલી બેગ મળી

પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નજીક આવેલ નેનાવા ચેક પોસ્ટ પર એક ખાનગી બસના કંડક્ટર પાસેથી ૪૮ લાખ રોકડા મળી આવ્યા છે. રાજસ્થાનથી ગુજરાત આવી રહેલી ખાનગી બસને રોકીને પોલીસે તપાસ કરતા પોલીસ કર્મીઓ એક બેગ ખોલતા ચોંકી ઉઠ્યા હતા. આ અંગે કંડક્ટરને પૂછતા તેણે યોગ્ય જવાબ નહીં આપતા રોકડ સાથે પોલીસ મથક લઈ જવાયો હતો.

ધાનેરાના નેનાવા ચેક પોસ્ટ પર પોલીસે એક ખાનગી બસને રોકીને તેનુ ચેકિંગ હાથ ધર્યુ હતુ. ખાનગી બસના કંડકટર પાસેથી એક બેગ મળી આવી હતી. પોલીસે શંકાને લઈ તે બેગને ખોલીને જોતા જ આંખો આશ્ર્ચર્યથી ખુલ્લી જ રહી ગઈ હતી. કારણ કે ખાનગી બસના સામાન્ય પગારદાર કંડકટરની પાસેથી મોટી રકમના બંડલ મળી આવ્યા હતા.

પોલીસે આ માટે કંડક્ટરની પ્રાથમિક પૂછપરછ રોકડ રકમ અંગે કરી હતી. જોકે તેણે આ અંગેનો જવાબ આપવામાં ગોળ ગોળ અલગ અલગ વાતો કરી હતી. આથી બસની સ્થિતિ તપાસી અને વિગતો મેળવીને બસના મુસાફરોને ધ્યાને રવાના કરાઈ હતી. જોકે કંડક્ટર સલીમ ઉર્ફે સલ્લુખાન હબીબ તથા રોકડ રકમ ભરેલ બંડલે પોલીસ મથક લઈ જવાયા હતા. જ્યાં બંડલ અંગેની તપાસ કરતા તે ૪૮ લાખ રુપિયા હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે આ રકમ અંગેના પૂરાવાઓ અને ક્યાંથી ક્યાં લઈ જવાતા હતા તે તમામ વિગતોને લઈ તપાસ શરુ કરી છે. હવાલાની રકમ હતી કે કેમ એ અંગે પણ તપાસ શરુ કરાઈ છે.