હારીજના માલતદારે કચેરીના ધાબા પરથી પડતું મુક્યું! પોલીસે તપાસ શરુ કરી

પાટણ, હારીજના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ વીઓ પટેલનું કચેરીના ધાબા પરથી નિચે પટકાવાને લઈ મોત નિપજ્યુ છે. મામલતદાર વીઓ પટેલ રવિવારે રજાના દિવસે માલતદાર કચેરી ખાતે આવ્યા હતા. જ્યાં તેઓએ કચેરી ખોલાવી હતી અને કચેરીના ધાબા પર પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ નિચે પટાકાતા મોતને ભેટ્યા હતા. મામલતદારે ત્રીજા માળેથી નિચે પડતુ મુક્યુ હોવાનું મનાય છે. આ મામલે જોકે સ્પષ્ટ કારણ જાણવા માટે પોલીસે તપાસ શરુ કરી છે.

ઘટનાને પગલે સ્થાનિક પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. હારીજ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મોતનું સ્પષ્ટ કારણ જાણવા માટે તપાસ શરુ કરી છે. રવિવારે કચેરીએ પહોંચીને ધાબા પર જવું અને નિચે પટકાવું આ તમામ બાબત પોલીસને પ્રાથમિક રીતે આપઘાતની ઘટના હોવાનું જણાઈ રહ્યુ છે અને એ દિશામાં તપાસ શરુ કરી છે.

જોકે હવે મોત નિપજવાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરાઇ છે. જેમાં તેઓએ આત્મહત્યા કરી કે, અકસ્માતે મોત નિપજ્યુ સહિતની તપાસ હાથ ધરાઇ છે. તેઓને કોઇ પણ પ્રકારે માનસિક દબાણ હતુ કે કેમ તેવા સવાલોના જવાબને પણ શોધવા માટે પોલીસ તપાસમાં પ્રયાસ હાથ ધરાઈ શકે છે.

આ મામલે સ્થળ પર રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી પહોંચ્યા હતા. એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટના મોતને પગલે તપાસ અંગે કાર્યવાહી શરુ કરી હોવાનું મીડિયાને તેઓએ જણાવ્યુ હતુ.ડીવાયએસપી ચૌધરીએ મીડિયાને બતાવ્યુ હતુ કે, સવારના સાડા નવેક વાગ્યના અરસા દરમિયાન મામલતદાર વીઓ પટેલે કચેરીના ધાબા પર ચડીને પડતું મુકીને આપઘાત કર્યો હતો.

આ અંગે હારીજના નાયબ મામલતદારે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. હારીજ પોલીસ મથકે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધીને પોલીસે તપાસ શરુ કરી હોવાનું આગળ જણાવ્યુ હતુ. જોકે હાલ તો મૃતક પટેલ પાસેથી કોઈ જ ચીઠ્ઠી કે સ્યુસાઈડ નોટ જેવું મળ્યુ નથી. હાલ તો મોતના કારણને જાણવા માટે ઉંડાણપૂર્વકની તપાસ શરુ કરાઈ છે.