ચૂંટણી પંચે માત્ર અમારું ચૂંટણી ચિન્હ જ છીનવી લીધું નથી પરંતુ અમારી પાર્ટી અન્યને પણ સોંપી દીધી,એનસીપી નેતા શરદ પવાર

મુંબઈ, એનસીપી નેતા શરદચંદ્ર પવારે ચૂંટણી પંચને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ’ચૂંટણી પંચે પાર્ટીની સ્થાપના કરનારાઓના હાથમાંથી પાર્ટી છીનવી લીધી અને આ પાર્ટી અન્યને આપી દીધી. આવું પહેલા ક્યારેય બન્યું નથી. ચૂંટણી પંચે અમારું ચૂંટણી ચિન્હ તો છીનવી લીધું એટલું જ નહીં અમારી પાર્ટી અન્યને પણ સોંપી દીધી.

નોંધનીય છે કે શરદ અને અજિત પવાર વચ્ચે મતભેદોને કારણે એનસીપીમાં બે જૂથો બન્યા હતા. એક જૂથ શરદ પવારનું હતું અને બીજું જૂથ અજિત પવારનું હતું. પરંતુ બાદમાં એનસીપી અને તેનું પ્રતીક અજિત પવાર પાસે ગયું. જ્યારે શરદ પવારને ચૂંટણી પંચ તરફથી નવું નામ મળ્યું છે. હવે તેઓ એનસીપી શરદચંદ્ર પવારના નામથી ઓળખાય છે.

ઉલ્લેખનીય છે કે આગામી લોક્સભા ચૂંટણી ૨૦૨૪ પહેલા શરદ પવારને ઝટકો આપતા ચૂંટણી પંચે અજિત પવારના જૂથને અસલી એનસીપી ગણાવ્યું હતું. આવી સ્થિતિમાં એનસીપીના નામ અને ચૂંટણી ચિન્હ બંને પર અજિત પવાર જૂથનો કબજો હતો.

આ પછી શરદ પવારના જૂથે ચૂંટણી પંચ પાસે ૩ નામોની માંગણી કરી હતી અને શરદ જૂથે પ્રતીક માટે વટવૃક્ષની માંગણી કરી હતી. શરદ પવારના જૂથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ ચંદ્ર પવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદરાવ પવારના નામ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યા હતા. જેમાંથી ચૂંટણી પંચે એનસીપી શરદચંદ્ર પવારનું નામ આપ્યું હતું.