મથુરા,યમુના એક્સપ્રેસ વે પર સોમવારે એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક બસ કાબૂ બહાર જઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે પાછળથી આવતી એક કાર બસ સાથે અથડાઈ હતી. અકસ્માત દરમિયાન બસ અને કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ૫ લોકો જીવતા દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. આ ઘટના મથુરાના મહાવન પોલીસ સ્ટેશન વિસ્તારના માઇલ સ્ટોન ૧૧૭માં બની હતી.
વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) શૈલેષ પાંડેએ જણાવ્યું હતું કે, યમુના એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે આગરાથી નોઈડા જઈ રહેલી બસે નિયંત્રણ ગુમાવ્યું અને ડિવાઈડર સાથે અથડાઈ અને પછી એક કાર પણ સાથે અથડાઈ. બસ અને બંને વાહનોમાં આગ લાગી હતી.પોલીસે જણાવ્યું હતું કે બસમાં સવાર મુસાફરો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ કારમાં સવાર લોકો બળીને મૃત્યુ પામ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અડધા કલાક બાદ પણ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ન હતી. બાદમાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ઘટના પાછળના કારણ અંગે વધુ માહિતી એકઠી કરી રહી છે.
ગયા મહિને યમુના એક્સપ્રેસ વે પર બે બસો અથડાતાં ઓછામાં ઓછા ૪૦ લોકો ઘાયલ થયા હતા. ઉત્તર પ્રદેશમાં ૬-લેન પહોળો અને ૧૬૫.૫ કિમી લાંબો એક્સપ્રેસવે દેશનો છઠ્ઠો સૌથી લાંબો એક્સપ્રેસવે છે અને ગ્રેટર નોઈડાને આગ્રા સાથે જોડે છે.