લીમખેડા, લીમખેડા પોલીસ મથક નજીક રોડની સાઈડમાં ઉભેલા પ્રાથમિક શિક્ષક તથા તેના બે મિત્રોને કુઝર જીપે અડફેટે લેતા શિક્ષકનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે બંને મિત્રોને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે દાહોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લીમખેડા પોલીસે ફરાર કુઝર ચાલકની તપાસ હાથ ધરી છે.
ધાનપુર તાલુકાના ભોરવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ શનાભાઈ સોલંકી પોતાની મોટરસાયકલ બગડી જતાં તેમના મિત્ર વિપુલ સંગાડાની મોટરસાયકલ લઈને વનરાજી શના સાથે ધાનપુર ગયા હતા. અને પરત લીમખેડા આવ્યા હતા ત્યારે લીમખેડા પોલીસ મથકની બાજુમાં બારીયા-ધાનપુર ચોકડી પર તેમના મિત્ર વિપુલને તેની મોટરસાયકલ પરત આપતા હતા ત્યારે લીમખેડા તરફથી એક અજાણી કુઝર જીપના ચાલકે પુરઝડપે હંકારી લાવી રોડની સાઈડમાં ઉભેલા ત્રણેય મિત્રોને ટકકર મારતા ભોરવા પ્રા.શાળાના વનરાજ શનાભાઈ સોલંકીનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે તખ્તસિંહ જયંતિ પટેલિયા તથા વિપુલ સંગાડાને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે લીમખેડા પોલીસ મથકે કુઝર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી હતી.