લુણાવાડાના ગોળબજાર વિસ્તારમાં બિસ્માર રોડથી વાહનચાલકો અને રહિશો પરેશાન

લુણાવાડા, લુણાવાડાના ગોળબજાર રોડની હાલત ખુબ જર્જરિત થઈ ગઈ હોવાથી સ્થાનિક રહિશોને રસ્તેથી પસાર થવુ મુશ્કેલ બની ગયુ છે.જેથી આ રોડની સમસ્યા વહેલી તકે દુર કરવામાં આવે તેવી રહિશો માંગ કરી રહ્યા છે.

લુણાવાડાના ગોળબજાર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા આરસીસી રોડ બનાવાયો હતો. ત્યારબાદ આ રોડની કયારેય મરામત નહિ થતાં હાલ આ રોડ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. છેલ્લે નગરપાલિકામાં ચુંટણી થઈ ત્યારે આ રોડ બનાવાયો હતો. જે થોડા સમયમાં જ તુટી જતાં રોડના બાંધકામને લઈ અનેક સવાલો ઉભા થવા પામ્યા હતા. હાલમાં આ રોડ ઉપરથી રોજના હજારો વાહનો પસાર થાય છે. જેમાં મોટા ભારદારી વાહનો, તેમજ કાર-રિક્ષા અને બાઈકો જેવા વાહનો લઈને લોકો બજારોમાં ખરીદી માટે આવતા હોય છે ત્યારે આ રોડ ઉપર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓના કારણે વાહનચાલકોને અકસ્માતનો ડર સતાવ્યા કરે છે. તેમજ બિસ્માર રોડના કારણે સ્થાનિક રહિશો તેમજ વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.