આંગડિયા પેઢીના ડ્રાઇવર પાસેથી રૂ. ૪.૪૦ લાખ ભરેલી બેગ ઝૂંટવી ૪ બાઇક્સવાર ઇસમો ફરાર

સુરતમાં (Surat) ફરી એકવાર આંગડિયા પેઢીનું નામ ચર્ચામાં આવ્યું છે. આંગડિયા પેઢીમાંથી (Angadia Firm) બહાર નીકળેલો ઈસમ લૂંટાયો છે. ડુમસ રોડ પર મોરબીના વેપારીના ડ્રાઈવર પાસેથી રૂ. 4.4૦ લાખની બેગ ઝૂંટવી 4 બાઈકસવાર ફરાર થઇ ગયા હતા. લૂંટની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી

સુરતના (Surat) મહિધરપુરા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાંથી (Angadia Firm) ડ્રાઈવર રૂ. 4.4૦ લાખ લઈને આવ્યો હતો. આ રૂપિયા લીધા બાદ ચા પીવાની ઈચ્છાએ ડ્રાઈવર વાય જંકશન પાસે ચા પીવા ગયો હતો. દરમિયાન, ચા પીને પરત ફરતા બે બાઈક પર આવેલા 4 ઈસમો દ્વારા રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી લેવાયો હતો. માત્ર સેકન્ડમાં જ બાઇકસવારે ડ્રાઇવર પાસેથી બેક ઝૂંટવી લીધી હતી. જો કે, લૂંટની ઘટના બાદ પોલીસ પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો ઉઠ્યા હતા. મહિધરપુરા (Mahidharpura) વિસ્તાર લોકોની ભીડથી ભરેલું હોય છે. આ વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાં કરોડોના વ્યવહાર થાય છે. છતાં પણ પોલીસની કામગીરી મહિધરપુરામાં નબળી હોવાનું અવારનવાર મહિધરપુરા વિસ્તારમાં થતી લૂંટની ઘટનાથી પુરવાર થઈ રહ્યું છે.

વાત છે સુરત શહેરના ડુમસ રોડ ખાતે આવેલા વાય જંકશન (Y Junction) નજીકના ખેતલાઆપા ટી સેન્ટરની, જ્યાં ચા પીવા માટે ઉભેલા કાર ડ્રાઇવરના હાથમાંથી બે અલગ-અલગ બાઇક પર આવેલા 4 જણાએ રોકડા રૂ.4.4૦ લાખ ભરેલી બેગની લઈ સેંકડોમાં ગાયબ થઇ ગયા હતા. જો કે, લૂંટની ઘટના બાદ સીસીટીવી ચેક કરતા બાઇક સવારો હાઈવે તરફ ભાગ્યા હોય તેવું અનુમાન પોલીસે લગાડી નજીકના સ્થળો પર હાઇવે પર નાકાબંધી કરવામાં આવી હતી. લૂંટ બાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ આધારે જાણવા મળ્યું છે કે મૂળ મોરબીનો સિરામિકનો વેપારી ગઈકાલે સાંજે ડુમસ રોડ (Dumas Road) પર આવેલા વાય જંકશન નજીકના વીઆર મોલમાં ખરીદી કરવા ગયો હતો. તે સમયે વેપારીએ તેના વિશ્વાસુ ડ્રાઈવર દિનેશ કટારિયાને આંગડિયામાંથી રૂપિયા લઈ આવવાની સૂચના આપી હતી. દિનેશને કહેવામાં આવ્યું હતું કે, મહિધરપુરા ભવાનીવડ ખાતે પહોંચીને ત્યાં આવેલી કે.એસ. પટેલ આંગડિયા પેઢીમાંથી રોકડા રૂ.4.4૦ લાખ લઈને આવે.

પોતાના માલિકનો આદેશ માનીને દિનેશ કટારિયા ફોર્ચ્યૂનર કાર લઈને પહેલા એસવીએનઆઈટી કોલેજ પાસે પહોંચ્યો હતો. ત્યાં કાર પાર્ક કરીને રિક્ષામાં બેસી ભવાનીવડ ગયો હતો. ત્યાંથી આંગડિયા પેઢી પહોંચી, તેમાંથી રૂ.૪.૪૦ લાખ લીધા બાદ તે ફરીથી રિક્ષામાં બેસીને એસવીએનઆઈટી કોલેજ સુધી આવ્યો હતો અને રોકડ રકમ ફોર્ચ્યુનર કારમાં ડ્રાઇવરની બાજુની સીટ પર મૂકીને ડુમસ રોડ વાય જંકશન પાસે ખેતલાઆપા ટી સેન્ટર પર પહોંચ્યો હતો. વધુમાં મળતી માહિતી અનુસાર, દિનેશ કટારિયા ચા પીવાની ઈચ્છા થતાં તેઓએ કાર પાર્ક કરી અને રૂપિયા ભરેલી બેગ ડ્રાઇવરની બાજુની સીટ પરથી લઈ ડીકીમાં મૂકવા માટે નીકળ્યો હતો. જે દરમિયાન લૂંટારૂં ટોળકીએ ખેલ કરી નાખ્યો હતો. બે બાઇક પર આવેલા ૪ ઇસમોએ જાણે પૈસા ભેરેલી બેગની પહેલાથી જાણ હોય તેવી રીતે ધૂમ સ્ટાઈલમાં આવીને દિનેશ કટારિયાના હાથમાંથી રોકડા રૂ.૪.૪૦ લાખ ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. દિનેશ અટવાયો હતો, કારણ કે લૂંટ માટે આવેલા લોકોએ મોઢે માસ્ક બાંધ્યા હતા.

સમગ્ર ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી અને સૌ પ્રથમ પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી અને સીસીટીવી ફૂટેજ તપાસ કરતા ચારેય લુંટારૂંઓ હાઇવે તરફ ભાગ્યા હોય તેવું જણાતા મહિધરપુરા પોલીસ દ્વારા અધિકારીઓની સૂચનાથી નાકાબંધી કરીને જિલ્લા પોલીસને પણ એલર્ટ કર્યા હતા. આ સાથે જ વાહન ચેકિંગની તપાસ પણ કડકાઇ રીતે કરવા સૂચના અપાઇ હતી.