તંબોલા રમતા લોકોની ભીડ પર ફરી વળ્યું દૂધનું ટેન્કર, ૩ લોકોનાં મોત

રાનીપુલ, સિક્કિમમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી મળી રહી છે. રાનીપુલમાં એક કાર્યક્રમ દરમિયાન દૂધથી ભરેલું ટેન્કર ત્રણ કારને ટક્કર મારતાં ભીડ પર ફરી વળ્યું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૩ લોકો માર્યા ગયા હતા જ્યારે ૩૦થી વધુ ઘવાયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટના બાદથી અફરા તફરી સર્જાઈ હતી. ટેક્ધરની લપેટમાં આવતા અનેક લોકો ઘવાયા હતા.

સાંજે આશરે ૭.૧૩ વાગ્યે સિક્કિમના રાનીપુલમાં આયોજિત મેળામાં તંબોલા રમતા લોકો આ દુર્ઘટનાની લપેટમાં આવી ગયા હતા. દૂધના ટેક્ધરના બ્રેક ફેલ થઈ જતાં તેણે ત્રણ જેટલી કારને ટક્કર મારી હતી અને પછી તે ભીડ સાથે અથડાઈ ગયા. માહિતી અનુસાર ઘટનાસ્થળે જ ૩ લોકો મૃત્યુ પામી ગયા હતા જ્યારે અન્યોને હોસ્પિટલ ખસેડાયા હતા.

ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જે ખૂબ જ ડરામણાં છે. તેમાં દેખાય છે કે કેવી રીતે એક પૂરપાટ ઝડપે દોડતું ટેક્ધર કારને ટક્કર મારી ઝડપથી મેળાના પરિસરમાં લોકોની ભીડમાં ઘૂસી જાય છે. જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે લોકોની ભીડ ત્યાં જ હતી અને તે તંબોલા ગેમ રમી રહી હતી.