પંચમહાલ જિલ્લામાં 432 પંચાયતના કુલ 13,945 આવાસોનું ઈ-લોકાર્પણ કરાયું

  • વડાપ્રધાનના હસ્તે અને મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં હાલોલના 3526, શહેરાના 3401, કાલોલના 2649, મોરવા હડફના 2569 અને ગોધરાના 1800 આવાસોનું ઈ-લોકાર્પણ કરાયું.

ગોધરા, ‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.2,993 કરોડના ખર્ચે 1,31,450થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.

કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારની કુલ 432 પંચાયતના રૂ.167.34 કરોડના કુલ 13,945 આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જેમાં હાલોલ આદેશ આશ્રમ, પાવાગઢ ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, હાલોલ પ્રાંત અધિકારી ડો.પ્રણવ વિઠાણી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં હાલોલ વિધાનસભા વિસ્તારના કુલ 3526 આવાસોનું લોકાર્પણ કરાયું હતું.

શહેરાના ડોકવા ખાતેથી વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને જિલ્લા કલેકટર આશિષ કુમાર, નાયબ કલેકટર નિહાર ભેટારીયાની ઉપસ્થિતિમાં 3401 આવાસોનું લોકાર્પણ કરાયું હતું.

કાલોલ વિધાનસભાના પાંચ પથરા ખાતેથી ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રંગીતભાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી. પટેલ તથા જિલ્લા અગ્રણી અશ્ર્વિનભાઈ પટેલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં 2649 આવાસોનું લોકાર્પણ કરાયું હતું.

મોરવા હડફ ખાતેથી ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કવિતાબેન, જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા, તાલુકા વિકાસ અધિકારી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં 2569 આવાસોનું લોકાર્પણ કરાયું હતું.

ગોધરાના એસ.આર.પી. ગ્રૂપ-5ના મેદાન ખાતેથી ધારાસભ્ય સી.કે. રાઉલજી, ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત સહિતની ઉપસ્થિતિમાં કુલ 1800 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે લાભાર્થીઓએ આવાસ યોજનાનો સુખદ્ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન પર પ્રધાનમંત્રીનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો હતો.

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુકત પ્રયાસો થકી જિલ્લાની પાંચેય વિધાનસભા વિસ્તારમાં વિવિધ મહાનુભાવો, હોદ્દેદારો, અધિકારીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામા લાભાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.