કાલોલ બસ સ્ટેન્ડ પાછળ ભાથીજી મંદિર ગલીના રસ્તા ઉપર અવડ કુવામાં ફેંકાતી ગંદકી અને ગેરકાયદેસર દબાણોને લઈ મુખ્યમંત્રી સ્વાગતમાં રજુઆત

  • ભારે ટ્રાફિકની સમસ્યા છતાં દબાણો દુર કરવામાં પાલિકાને આડશ.

કાલોલ,કાલોલ બસ સ્ટેન્ડ પાછળ ભાથીજી મંદિર ગલીના રસ્તા ઉપરના ગેરકાયદેસર ટ્રાફિકને અડચણરૂપ દબાણો તેમજ ગંદકી દુર કરવા માટે અવારનવાર પાલિકામાં રજુઆત છતાં નકકર કાર્યવાહી નહી કરવામાં આવતાં દબાણ અને સ્વચ્છતાના મુદ્દે મુખ્યમંત્રી સ્વાગતમાં ફરિયાદ કરી.

કાલોલ બસ સ્ટેન્ડ પાછળનો વિસ્તારમાં ભારે ટ્રાફિક હોય છે. આ સ્થળે ભાથીજી મંદિરવાળી ગલીના રસ્તા ઉપર છેલ્લા વર્ષોથી ગેરકાયદેસર લારી ગલ્લાઓ દ્વારા દબાણ કરવામાં આવેલ છે. અરજદાર માયાબેન જીતેન્દ્રકુમાર કેલવાણીના માલિકીની દુકાન આવેલ છે અને ત્યાં શાકભાજી વેપાર કરે છે. દુકાનની બાજુમાં પાલિકાના અવડ કુવો આવેલ છે. જે બિનઉપયોગી છે. આ અવક કુવામાં આજુબાજુના ઈસમો દ્વારા ગંદકી કરાઈ રહી છે. પાલિકા તંત્ર ગંદકીથી ઉભરાતા અવડ કુવા માંથી સફાઈ કામદારો દ્વારા અવાર-નવાર સાફસફાઈ કરવામાં આવે છે. છતાં કુવાની આસપાસ ગેરકાયદેસર દબાણ કરી ઉભી રાખેલ લારી ગલ્લાઓ દ્વારા ગંદકી ફેલાવવામાં આવતી હોય છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા બિનઉપયોગી અવડ કુવાને પુરી દેવામાં આવે તો આ વિસ્તારમાં સ્વચ્છતા જળવાઇ રહે તેમ છે. કાલોલ પાલિકા દ્વારા ગેરકાયદેસર અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવે છે ખરી પરંતુ ભાથીજી મંદિરવાળી ગલી પાસેના દબાણો દુર કરવામાં વ્હાલા દવલા જેવી નીતિ અપનાવાઈ રહી છે. ગંદકીને લઈ આસપાસની દુકાનોવાળા તેમજ રાહદારીઓ પરેશાન થતા હોય તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા અવડ કુવા પાસેના દબાણો અને ગંદકીનો કાયમી નિકાલ નહિ કરવામાં આવતાંં અરજદાર દ્વારા આ પ્રશ્ર્ન માટે મુખ્યમંત્રી સ્વાગતમાં રજુઆત કરાઈ છે. હવે જોવાનુંં રહ્યું કે, ગંદકી અઅને દબાણો દુર થાય છે કે નહિં.