ગોધરા તાલુકાના બેટીયામાં બે કિ.મી.નો ડામર રોડ બનતા 30થી વધુ ગામોને લાંબા આંટાથી મુક્તિ

ગોધરા,ગોધરા પાસે આવેલ બેટીયા ગામમાંથી પસાર થતી પાનમ કેનાલની બંને બાજુથી પસાર થતો માર્ગ અત્યંત બિસ્માર થઈ જવા પામ્યો હતો.જેથી કાંકણપુરને સીધા જોડતા વાવડી, વીજોલ, પડીપર, પેથાપુર, સહિતના 30થી વધુ ગામોની પ્રજાને વર્ષોથી હાલાકીઓ વેઠવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને ચોમાસાની સીઝન દરમિયાન કાદવ-કિચડથી ખદબદતો હોવાથી વિસ્તારના લોકોને લાંબો ચકકર લગાવવાની ફરજ પડતી હતી. રસ્તાની સમસ્યાના નિરાકરણ માટે ગામના સરપંચ, સભ્યો સહિતે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીને નવીન માર્ગ માટે રજુઆત કરતા ધારાસભ્યએ ગ્રામજનોની સમસ્યાને ગંભીરતાથી લઈને કેનાલની બંને બાજુના બે કિ.મી.ના ડામર માર્ગને મુખ્યમંત્રી સરલ યોજના અંતર્ગત અંદાજિક એક કરોડની માતબર રકમે મંજુર કરાવ્યો હતો અને ખાતામુર્હુત કરીને કેનાલની બંને બાજુ માર્ગની કામગીરીનો પ્રારંભ કરાવ્યો છે. ફેબ્રુઆરી માસના અંત સુધી માર્ગની કામગીરી પુર્ણ થઈ જશે. નવીન રોડ તૈયાર થઈ જતા વર્ષો જુની રોડની સમસ્યાનુ કાયમી નિરાકરણ આવી જશે.