પાટણના હારીજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મામલતદારે કચેરીના ધાબેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું. મામલતદાર વી. ઓ. પટેલના મોતના સમાચાર મળતા જ તંત્ર દોડતું થયું હતું. આ મામલે ડીવાયએસપીના જણાવ્યાં અનુસાર હાલમાં તેમના ખીસ્સામાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. વધુ તપાસમાં મોતનું કારણ સામે આવશે.
કલેક્ટર સહિતના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું
હારીજમાં મામલતદાર કચેરીના ધાબા ઉપરથી છલાંગ લગાવતાં જ મામલતદારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. રજાના દિવસે મામલતદાર કચેરીમાં આવી ધાબા ઉપર ગયા બાદ છલાંગ લગાવવા પાછળ શું કારણ હતું તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરી રહ્યા છે.
રાધનપુર DYSP ડી ડી ચૌધરીએ જણાવ્યું કે, મામલતદારે સવારે આશરે 9-30 વાગ્યે ધાબા પરથી પડતું મુકીને આત્મહત્યા કરી છે, જે બાબતે નાયબ મામલતદારે જાણ કરતા અકસ્માત મોત નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતક પાસેથી સુસાઈડ નોટ કે એવુ કશું હજુ સુધી મળી આવ્યું નથી. પ્રાથમિક તપાસ દરમિયાન હજુ સુધી આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. પરંતુ અમે આની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
પોલીસે તપાસ હાથ ધરી
હારીજ મામલતદાર તરીકે ફરજ બજાવતા વીઓ પટેલ રવિવારે સવારના રોજ કચેરીમાં આવી કચેરી ખોલાવીને અંદર ગયા હતા ત્યારબાદ ધાબા ઉપર ગયા હતા અને ધાબા ઉપરથી છલાંગ લગાવી દીધી હતી.જેથી આસપાસના લોકો આવી પહોંચ્યા હતા. ગણતરીની મિનિટમાં કચેરીનો સ્ટાફ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે એકત્ર થયો હતો. મામલતદાર રવિવારના રોજ કચેરીમાં આવી ધાબા ઉપર કેમ ગયા અને શા કારણે તેઓએ આત્મહત્યા કરી છે તે અંગે અનેક પ્રશ્નો સર્જાયા છે, હાલમાં પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર ઘટના અંગે તપાસનો દોર હાથ ધર્યો છે.
એક વર્ષ પહેલાં સાણંદ જિલ્લામાં પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી તરીકે બદલી પામેલા રાજેન્દ્રભાઈ કેશવલાલ પટેલે નિર્મિત ફલોરા એપાર્ટમેન્ટના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. તેઓ આ એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેતા હતા. 22 નવેમ્બર 2023ને મંગળવારે સવારે 9:30 વાગ્યે તેઓએ આપઘાત કર્યું હતું. આર.કે પટેલ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને 21 નવેમ્બર 2023ને સોમવારે રાત્રે અઢી વાગે સુધી તેઓ કામગીરી કરતા હતા. સવારે 9:24 મિનિટે ડ્રાઇવરને પોતાને લેવા માટે ફોન કર્યો હતો અને માત્ર સાત મિનિટના સમયગાળામાં જ તેઓએ આત્મહત્યા કરતા સાણંદ પોલીસની સાથે DYSP અને SP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.