રાંચી, ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને ગુરુવારે એ આરોપોને નકારી કાઢ્યા હતા કે મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પૂર્વ મુખ્યમંત્રીની ધરપકડમાં રાજભવનનો હાથ હતો. જેએમએમના કાર્યકારી પ્રમુખ સોરેનની એજન્સી દ્વારા ૩૧ જાન્યુઆરીએ સાત કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
રાધાકૃષ્ણને પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, રાજભવનના દુરુપયોગનો કોઈ પ્રશ્ર્ન જ ઉભો થતો નથી. અમે દરેક લોક્તાંત્રિક નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું છે. રાજ્યપાલે દાવો કર્યો હતો કે રાજભવનએ હેમંત સોરેનને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા કહ્યું નથી. પરંતુ, તેમણે મુખ્યમંત્રી કાર્યાલયને કહ્યું હતું કે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે.
હેમંત સોરેનની ધરપકડ બાદ ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેનને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. હેમંતે ૫ ફેબ્રુઆરીના રોજ ચંપાઈ સોરેન દ્વારા રજૂ કરાયેલા વિશ્ર્વાસ પ્રસ્તાવમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, તેમણે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને તેમની ધરપકડમાં રાજભવનની ભૂમિકા હતી.
રાજ્યપાલે ચંપાઈ સોરેનને સરકાર રચવા આમંત્રણ આપવામાં વિલંબના પ્રશ્ર્નનો પણ જવાબ આપ્યો. વિલંબ અસાધારણ પરિસ્થિતિમાં કાનૂની આશ્રયને કારણે થયો હતો, એમ તેમણે જણાવ્યું હતું. અમે તેમને છવ્વીસ કલાક પછી બોલાવ્યા.