
ઈસ્લામબાદ, મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઈદના પુત્રને પાકિસ્તાનની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હાફિઝ સઈદે પાકિસ્તાનની આમ ચૂંટણીમાં પાકિસ્તાની મરકઝી મુસ્લિમ લીગ નામની પાર્ટી બનાવીને સંખ્યાબંધ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાં એક ઉમેદવાર હાફિઝનો પુત્ર તલ્હા સઈદ પણ હતો. જાણકારી પ્રમાણે લાહોરની બેઠક પરથી ચૂંટણી લડનાર તલ્હાને મતદારોએ ઘરભેગો કરી દીધો છે.
ચૂંટણી પરિણામમાં તલ્હા છઠ્ઠા ક્રમે રહ્યો છે. આમ તેની ડિપોઝીટ પણ ડુલ થાય તેવી શકયતા છે. આ બેઠક પરથી પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની નિકટના મનાતા નેતા લતીફ ખોસાએ એક લાખ કરતા પણ વધારે મતથી જીત હાંસલ કરી છે.
હાફિઝનો પુત્ર તલ્હા આતંકી સંગઠન લશ્કર એ તૈયબામાં નંબર ટુ ગણાય છે. હાફિઝની ગેરહાજરીમાં આ સંગઠનનો કારભાર તલ્હા જ સંભાળતો હોય છે. ભારતે તેને પણ આતંકી જાહેર કરેલો છે. લશ્કર એ તૈયબાના કેટલાક હુમલા પાછળ તલ્હાનો પણ હાથ હોવાનુ ભારત સરકાર કહી ચુકી છે.તલ્હા લશ્કર એ તૈયબા માટે ફંડ ઉઘરાવવાનુ અને સંગઠનમાં નવા આતંકીઓની ભરતી કરવાનુ કમ પણ કરે છે. તલ્હા પર પાકિસ્તાનમાં હુમલા પણ થયેલા છે. જોકે દર વખતે તે બચીને નીગળી ગયો છે.