
મુંબઇ,વર્લ્ડ કપ જેવા મોટા સ્ટેજની સેમીફાઈનલ મેચમાં જો કોઈ ટીમ માત્ર ૧૭૯ રન બનાવે તો તેની હાર લગભગ નિશ્ર્ચિત માનવામાં આવે છે. પરંતુ ગુરુવારે રાત્રે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં આનાથી તદ્દન વિપરીત જોવા મળ્યું હતું. આટલા નાના ટોટલને બચાવવા માટે પાકિસ્તાની બોલરોએ પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ એક-એક રન માટે સંઘર્ષ કર્યો હતો.
મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ત્રણ રનની જરૂર હતી જ્યારે પાકિસ્તાન ફાઇનલમાં પહોંચવાથી માત્ર એક વિકેટ દૂર હતું, પરંતુ અંતે કાંગારૂઓનો વિજય થયો હતો. છેલ્લી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો લાગતાની સાથે જ પાકિસ્તાની ખેલાડીઓનું દિલ તૂટી ગયું હતું. જેનો વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોઈ બાઉન્ડ્રી પાસે સૂઈને રડતો જોવા મળ્યો હતો તો કોઈ પીચ પર બેસીને જ રડવા લાગ્યો હતો.
દક્ષિણ આફ્રિકાના બેનોની શહેરમાં રમાયેલી અંડર ૧૯ વર્લ્ડ કપ ૨૦૨૪ની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ૧૭૯ રનમાં આઉટ કરી દીધું. પાકિસ્તાનની ટીમ પૂરી ૫૦ ઓવર પણ રમી શકી નહોતી. જવાબમાં પાકિસ્તાનની ટીમે પણ ઓસ્ટ્રેલિયાને સરળતાથી રન બનાવવા દીધા ન હતા. અત્યંત રોમાંચક મેચમાં પાકિસ્તાને એક સમયે ૧૬૪ રનમાં ઓસ્ટ્રેલિયાની ૯ વિકેટ ઝડપી હતી. અહીંથી એવું લાગતું હતું કે પાકિસ્તાનની ટીમ આ મેચ જીતી જશે પરંતુ એવું થયું નહીં.
મેકમિલને મોહમ્મદ ઝીશાનના બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો, જેને રોકવા માટે ઉબેદ શાહ બાઉન્ડ્રીની નજીક ગયો પરંતુ બોલ સરળતાથી બાઉન્ડ્રી લાઇનને સ્પર્શી ગયો. આ પછી ઉબેદ બાઉન્ડ્રી લાઈન પાસે સૂઈને રડવા લાગ્યો, જ્યારે બોલર ઝીશાન ક્રિઝ પર બેસીને ભાવુક થઈ ગયો હતો. એ સમયે પાકિસ્તાનના લગભગ તમામ ખેલાડીઓની આવી જ હાલત હતી.