
મુંબઇ, મનોરંજન જગતમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફેમસ અભિનેત્રીનું મર્ડર કરવામાં આવ્યું છે. અભિનેત્રીના દીકરાએ જ અભિનેત્રીને ઢોર માર મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. દારૂડિયા દીકરાએ તેની માતાની હત્યા કરી છે. મૃતક અભિનેત્રીનું નામ કાસિયામ્મલ છે અને તેમણે તમિલ ફિલ્મ ‘કદૈયી વિવસાયી’માં કામ કર્યું હતું, આ ફિલ્મ વર્ષ ૨૦૨૧માં રિલીઝ થઈ હતી.
કાસિયામ્મલ તેમની એક્ટિંગના કારણે ખૂબ જ ફેમસ હતા. મીડિયા રિપોર્ટ અનુસાર રવિવારે ૪ ફેબ્રુઆરીના રોજ સવારે ત્રણ વાગ્યે મા-દીકરા વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં દારૂડિયા દીકરાએ તેની માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, દીકરાએ તેની માઁ પાસેથી દારૂ માટે પૈસા માંગ્યા હતા અને તેની માતાએ પૈસા આપવાની ના પાડી હતી. આ કારણોસર દારૂડિયા દીકરાએ ગુસ્સામાં આવીને તેની માતાને લાકડીથી ખૂબ જ નિર્દયી રીતે માર માર્યો હતો, જેથી તેની ૭૪ વર્ષીય માતાનું મોત થયું હતું.
દારૂ માટે પૈસા ના આપતા દીકરો નારાજ થઈ જતા તેની વૃદ્ધ માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. દીકરાએ એટલી નિર્દયી રીતે તેની માતાને માર માર્યો કે તેનું તે જ સમયે મોત થઈ ગયું હતું. આ ઘટના ખૂબ જ શરમજનક અને ભયાનક છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. અભિનેત્રી કાસિયામ્મલના ઘરેથી લાકડી જપ્ત કરી લીધી છે. કાસિયામ્મલના દીકરા નમ્માકોડીની ઉંમર ૫૧ વર્ષ છે અને તેની સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
નમ્માકોડી પર આઇપીસી ધારા ૩૦૨ હેઠળ તેની માતા કાસિયામ્મલની હત્યા કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. નમ્માકોડી તેની માતા સાથે રહેતો હતો. ૧૫ વર્ષથી તેની પત્નીથી અલગ રહેતો હતો અને પૈસા માટે તેની માતા પર આધારિત હતો. નમ્માકોડીની દારૂની આદતના કારણે તેની માતાએ જીવ ગુમાવવો પડ્યો છે. કાસિયામ્મલના મોતથી સમગ્ર તમિલ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.