ખેડા જીલ્લામાં આરોગ્ય શાખા દ્વારા 60 મેડીકલ ઓફિસરો માટે સર્પદંશની સારવાર અંગે સેમીનાર યોજાયો

નડીયાદ, સમગ્ર પ્રાણી જગતમાં સૌથી વધારે કુતુહલ સાપ જગાડે છે. સર્પદંશ એક બહુ મોટી જાહેર આરોગ્યની સમસ્યા છે. સામાન્ય રીતે વાડી-ખેતર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ નીકળતા હોય છે. આ ઉપરાંત ભેજવાળા વિસ્તારમાં સાપ જોવા મળતા હોય છે. ત્યારે સર્પદંશનો ભોગ પણ આ વિસ્તારમાં રહેતા લોકો વધારે બનતા હોય છે. ગુજરાત સહીત ભારતમાં સર્પદંશથી થતા સૌથી વધુ મૃત્યુ પાછળ મુખ્યત્વે 4 ઝેરી સાપ કારણભુત હોય છે. જેમાં નાગ(ઇન્ડિયન કોબ્રા), કાળોતરો(ઇન્ડિયન ક્રેટ), ખડચિતળો(રસેલ્સ વાઈપર) અને ફુરસો(સો સ્કેલ્ડ વાઈપર)નો સમાવેશ થાય છે.

સર્પદંશથી થતા મૃત્યુ અટકાવવા અને સમયસર ઝડપી નિવારણ માટે ખેડા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્પદંશ વિશેની તાલીમનું જીલ્લા પંચાયત નડિયાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જીલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા તબીબી અધિકારીઓને સર્પદંશની સમયસર સારવાર અને તેના યોગ્ય નિવારણ વિશેની તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમમાં સર્પદંશથી 20 હજારથી વધુ લોકોનો જીવ બચાવનાર ડો.ડી.સી.પટેલે સર્પદંશની જાગૃતિ અને સારવાર ઉપર પોતાની આગવી શૈલીમાં માહિતી આપી હતી. આ ઉપરાંત સર્પદંશ અંગે લોકોને માહિતગાર કરવા અને જાગૃતિ લાવવા પણ અનુરોધ કર્યો હતો. આ વર્કશોપમાં સર્પદંશ વિશેની ટુંકી ફિલ્મ તથા સાપના પ્રકારો વિશે પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. તેમજ સર્પદંશની સારવાર કેવી રીતે કરવી અને સાપની ઓળખ કેવી રીતે કરવી તે અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી. આ અંગે જીલ્લા રોગચાળા તબીબી અધિકારી ડો. અલ્પેશ મકવાણાએ કહ્યું કે ખેડા જીલ્લામાં સર્પદંશથી થતા મૃત્યુ અટકાવવા અને સમયસર સારવાર મળી રહે તે હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જીલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોના 60 જેટલા મેડીકલ ઓફિસરઓને આ તાલીમ આપવામાં આવી હતી.