
ગોધરા, પંચમહાલ જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગોધરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કલ્યાણા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો હતો.
એડોલેસેન્ટ હેલ્થ અવેરનેસ અંતર્ગત હાજર તરૂણ – તરૂણીઓ (પિયર એજ્યુકેટર) અને આશા બહેનોની ટીમને તરૂણ અવસ્થા દરમિયાન કિશોર-કિશોરીઓમાં થતા શારીરિક અને માનસિક ફેરફારો અને વિકાસ, કિશોરીઓમાં માસિક સ્ત્રાવ અને સ્વચ્છતા અંગેની જરૂરી કાળજીનું મહત્વ સહિતની માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં CHOની ટીમ દ્વારા જીવન ચક્રની અતિ મહત્વની કિશોર અવસ્થા દરમિયાન શારીરિક તેમજ માનસિક વિકાસ માટે સમતોલ આહાર તેમજ આયન ફોલિક એસિડની ટેબલેટ નિયમિતપણે લેવાની જરૂરિયાત કે જેનાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે અને હિમોગ્લોબીનનું પ્રમાણ જળવાઈ રહે છે અને આપણા શરીરને એનિમિયા જેવી બીમારીની અસરથી દૂર રાખી તંદુરસ્ત અને પ્રફુલ્લિત રાખે છે. તેવી જ રીતે તમાકુના કોઈપણ પ્રકારે થતા સેવનથી શરીરમાં થતી હાનિકારક અસરો વિશે અને કસરત,યોગ,મેડીટેશનનું તંદુરસ્ત સ્વાસ્થ્ય અને તણાવ મુક્ત જીવન માટે મહત્વ અંગે વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત સાયબર ક્રાઇમ વિશે પણ વિવિધ ઉદાહરણ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રા.આ.કેન્દ્રના ખઙઇંજ દ્વારા પાણીજન્ય અને વાહકજન્ય રોગોથી બચવા માટેના ઉપાયો તેમજ જરૂરી સાવધાની અને સ્વચ્છતા અંતર્ગત માર્ગદર્શન અપાયું હતું.
કાર્યક્રમમાં પિયર એજ્યુકેટરને પ્રોત્સાહન સ્વરૂપે પોષણયુક્ત આહારની કીટ (સિંગદાણાની ચીકી,ચણા,ખજૂર) તેમજ લંચ બોક્સ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રા.આ.કે.કલ્યાણાના મેડિકલ ઓફિસર ડો.કૃતિ પટેલ,આર.બી.એસ.કે મેડીકલ ઑફિસર ડો.સંદીપ પટેલ અને ડો.નેહા પંચાલ, પિયર એજ્યુકેટર, સી.એચ.ઓ., પ્રા.આ.કે.નો તમામ સ્ટાફ તથા આશા ફેસીલેટર અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.