લોકો પર હુમલો કરનારા ભાજપ આરએસએસ કાર્યર્ક્તાઓને પીએફઆઇ ’રિપોર્ટર’ નું બિરુદ, આપતું

નવીદિલ્હી, પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલા કેટલાક લોકોની ધરપકડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ પૂરક ચાર્જશીટમાં પીએફઆઈને લઈને મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. ઈડીએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે પીએફઆઇએ તેના કાર્યકરોને ’રિપોર્ટર’નું બિરુદ આપ્યું હતું જેમણે ભાજપ,આરએસએસના લોકો પર હુમલો કર્યો હતો.

ઇડીનું કહેવું છે કે ગુનામાંથી કમાયેલા નાણાંનો ઉપયોગ લડાઇની તાલીમ આપવા માટે કરવામાં આવતો હતો, જેના કારણે જાનનો ભોગ બની શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે, પ્રતિબંધિત સંગઠન પીએફઆઈ સામે દાખલ કરવામાં આવેલી તેની પૂરક ચાર્જશીટમાં આરોપ મૂક્યો છે કે પીએફઆઈએ તેના લોકોને દુશ્મનોને ઓળખવાનું અને તેમને શારીરિક નુક્સાન પહોંચાડવાનું કાર્ય સોંપ્યું હતું અને આ કાર્ય હાથ ધરનારાઓને રિપોર્ટર કહેવામાં આવ્યા હતા. પીએફઆઈએ ભાજપ અને આરએસએસને તેમના દુશ્મન ગણાવ્યા અને તેમની વિરુદ્ધ હુમલાઓ કરવાનું કાવતરું ઘડ્યું. ઈડીએ કથિત રૂ. ૧૨૦ કરોડના પીએમએલએ કેસમાં ૧૨ પીએફઆઇ સભ્યો વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ કહ્યું કે ૧૨૦ કરોડ રૂપિયામાંથી ૬૦ કરોડ રૂપિયા સીધા પીએફઆઇના ખાતામાં આવ્યા. આ કેવળ ગુનાની આવક છે.

ઈડીએ આરોપ લગાવ્યો હતો કે ગુનાની રકમનો ઉપયોગ પીએફઆઇ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો છે. ચાર્જશીટમાં, ઈડ્ઢએ દાવો કર્યો હતો કે આવાસ અને લગ્ન યોજનાઓની આડમાં હિંસક ગુનાઓના આરોપી પીએફઆઇ કાર્યકરોને ચૂકવણી કરવામાં આવી હતી. ઈડ્ઢએ તેની ચાર્જશીટમાં એવો પણ દાવો કર્યો હતો કે પીએફઆઇ શારીરિક તાલીમની આડમાં, તેના સભ્યોને લડાઇની તાલીમ આપી રહી હતી જેઓ લોકોની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. આ ચાર્જશીટમાં ઈડીએ કહ્યું છે કે પીએફઆઇ સભ્યો આ તાલીમનો ઉપયોગ વિવિધ ગંભીર ગુનાઓ કરવા માટે કરી રહ્યા છે.

જોકે ઇડી મુખ્યત્વે પીએમએલએની કલમ હેઠળ કામ કરે છે, તેણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુનાની આવકની મદદથી, પીએફઆઈ તેના સભ્યોને છરીઓના ઉપયોગ જેવી તાલીમ આપી રહી હતી, જે લોકોની હત્યા કરી શકે છે.પીએફઆઇએ વિદેશમાં તેની હાજરીનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જો કે, ઈડીને પુરાવા મળ્યા છે જે અન્યથા સૂચવે છે. ઈડીએ કહ્યું કે પીએફઆઇના રાષ્ટ્રીય મહાસચિવ અનીસ અહેમદે કહ્યું હતું કે પીએફઆઇ ભારતમાં જ કામ કરે છે. પરંતુ, ઈડી દ્વારા જપ્ત કરવામાં આવેલા ડિજિટલ ડેટા પરથી જાણવા મળ્યું છે કે પીએફઆઇના ગલ્ફ દેશોમાં હજારો સક્રિય સભ્યો છે અને તે બધા સુવ્યવસ્થિત અને સંરચિત રીતે ભંડોળ એકત્ર કરી રહ્યા છે.

આ ચાર્જશીટમાં ઈડીએ દાવો કર્યો છે કે તેણે પીએફઆઇના વિદેશી સભ્યોનો ડેટા રિકવર કર્યો છે, જેમની સંખ્યા ૧૪,૪૨૮ સુધી છે. ઈડીએ કહ્યું કે અમે યુનિટી હાઉસ, કોઝિકોડમાંથી જપ્ત કરાયેલી હાર્ડ ડિસ્કમાંથી એક દસ્તાવેજ રિકવર કર્યો છે. તે બહાર આવ્યું છે કે પીએફઆઇ જેદ્દાહ, રિયાધ, દમ્મામ,યુએઈ, ક્તાર, બહેરીન, કુવૈત, ઓમાન અને એશિયાના અન્ય વિસ્તારોમાં સભ્યો ધરાવે છે. ઈડીએ તાજેતરમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે, જેના પર પટિયાલા હાઉસ કોર્ટે પણ સંજ્ઞાન લીધું છે.