૨૦૨૨માં વાઇબ્રન્ટ સમિટ યોજાઈ ન હતી. જેથી વિભાગનું બજેટ વણવપરાયેલું રહ્યું

ગાંધીનગર, વિધાનસભા સત્રના પ્રશ્ર્નોત્તરીકાળ વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્ર્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ૨૦૨૨માં વાઇબ્રન્ટ સમિટ યોજાઈ ન હતી. જેથી વિભાગનું બજેટ વણવપરાયેલું રહ્યું હતું. જોકે અન્ય એક પ્રશ્ર્નના જવાબમાં સરકારે એમ પણ જણાવ્યું કે, સમિટ અંતર્ગત રોકાણ લાવવાના હેતુ માટે ૭૪.૩૭ કરોડની રકમ વપરાઈ હતી. આમ અલગ અલગ પ્રશ્ર્નોના જવાબમાં સરકારના ઉત્તરમાં વિસંગતતા જોવા મળી હતી.

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ઉદ્યોગ વિભાગમાં વર્ષ ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ દરમિયાન સરકારે કેટલું બજેટ જાહેર કર્યું, ફાળવ્યું અને તે પૈકી કેટલો ખર્ચ કરાયો તેમ પૂછ્યું હતું, જેના જવાબમાં સરકારે કહ્યું કે, બંને વર્ષ મળીને સ૨કારે ઉદ્યોગ વિભાગ માટે ૧૦,૪૪૯ કરોડની જોગવાઈ કરી હતી તે પૈકી ૯,૫૭૫ કરોડ ફાળવાયા હતા. રકમમાંથી ૯,૨૦૫ કરોડ ખર્ચ થયા હતા અને ૩૭૦ કરોડ વપરાયા પડી રહ્યા હતા. આ વણવપરાયેલી ગ્રાન્ટ અંગે સરકારે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે વાઇબ્રન્ટ ગુજરાત સબમીટ ન યોજાઇ અને સહાય યોજનાઓ માટે અરજી ઓછી આવતા સહિતના પાસાઓ જવાબદાર હોવાનું જણાવ્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય અમૃત ઠાકોર, ગેનીબેન ઠાકોરે સહાયની વિગતો માગી હતી. જેમાં સરકારે કહ્યું કે, તાઉતે વખતે ૨૪૪૮ કરોડની માંગ કરી હતી. જેની સામે કેન્દ્ર એક હજાર કરોડ ફાળવ્યા હતા. જ્યારે બિપોરજોય વખતે સહાય માંગી હતી પરંતુ ૭૦૦ કરોડની હજુ કોઈ સહાય ચૂકવી નથી.

આ પછી કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ઉદ્યોગ વિભાગના વિવિધ મહોત્સવ, મેળાવડા અને સમિટની પાછળ બે વર્ષ દરમિયાન કેટલો ખર્ચ થયો તેની વિગતો માંગી હતી. આ પ્રશ્ર્નના જવાબમાં કહેવાયું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૨ કોરોનાને લીધે મોકૂફ રખાઈ હતી. જોકે તેની પાછળ સરકારે ૭૪.૩૭ કરોડ ઉપરાંતની રકમ વાપરી હતી. જ્યારે અન્ય બે ઇવેન્ટ, વાઇબ્રન્ટ સમિટને ૨૦ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે યોજાયેલી ઇવેન્ટ તથા જી૨૦ સમિટને સંલગ્ન ઇવેન્ટ્સ પાછળ થયેલા ખર્ચ આખર થવાની પ્રક્રિયા હજુ ચાલી રહી છે.