રાજકોટ,રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એનસીબી અમદાવાદ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે ૨૦૧૮માં જંગલેશ્ર્વર ખાતે રેડ પાડી હતી. જે રેડમાં ચરસનો જથ્થો મંગાવનાર મહેબૂબ ઠેબા તેમજ ચરસ રાખવા બદલ ઇલિયાસ સોરા, જાવેદ દલ અને રફીક લોયાની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ચરસનો જથ્થો પહોંચાડનારા શકીલ સૈફીની પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગુરૂવારના રોજ અધિક સેશન્સ જજ બીબી જાદવ દ્વારા ચાર આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવી છે. તેમજ પ્રત્યેકને રૂપિયા એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપી શકીલ સૈફીને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવેલ છે.
પબ્લિક પ્રોસિક્યુટર સંજય વોરાના જણાવ્યા પ્રમાણે, ૨૦૧૮ના નવમા મહિનામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદને માહિતી મળી હતી કે શકિલ અને સોહિલ નામના વ્યક્તિ રાજકોટ ખાતે મહેબૂબ નામના વ્યક્તિને ચરસ ડિલિવરી કરવા ગયા છે. જે માહિતી મળતાની સાથે રાજકોટ એસોજી દ્વારા જુદા જુદા વ્યક્તિઓના ફોન કોલ રેકોર્ડ તપાસતા જાણવા મળ્યું હતું કે, મહેબૂબ ઠેબા નામની વ્યક્તિ જંગલેશ્ર્વર વિસ્તારમાં રહે છે અને ત્યાં ચરસનો જથ્થો ડિલિવર થયો છે.
જેથી એસોજીની ટીમ દ્વારા મહેબૂબ ઠેબાના ઘરે તપાસ હાથ ધરવામાં આવતા ઈલિયાસ સોરા પણ મળી આવ્યો હતો. તેમજ તેની પાસેથી ચરસના ગઠ્ઠા પણ મળી આવ્યા હતા. તો સાથે જ મકાનના ઉપરના ભાગે જાવેદ દલ પણ મળી આવ્યો હતો. જેના બાથરૂમના ઉપરના ભાગેથી થેલામાંથી બે કિલોથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ મહેબુબ ઠેબાની વધુ પૂછપરછ કરતા રફીક લોયાને ત્યાંથી પણ પાંચ કિલો ગ્રામથી વધુનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આમ પોલીસ દ્વારા ૮ કિલો ચરસના જથ્થા સાથે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આરોપીઓની પૂછપરછ કરતાં ચરસનો જથ્થો શકીલ સૈફી નામના વ્યક્તિ દ્વારા પહોંચાડવામાં આવ્યો હોવાનું જણાવતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.
જે તે સમયે રાજકોટ પોલીસે જણાવ્યું હતું કે, ચરસનો જથ્થો જમ્મુથી મંગાવવામાં આવ્યો હતો. આરોપીઓ એક કિલો ચરસ એક લાખના ભાવે લેતા હતા. તેમજ ત્યાર બાદ રાજકોટમાં ૧૦-૧૦ ગ્રામની ગોળી રૂપિયા ૨૦૦૦ દીઠ વેચતા હોવાનું સામે આવ્યું છે. મહેબૂબ ઠેબાની પૂછપરછ કરતા રાજકોટના ૧૮થી વધુ ગ્રાહકોના નામ પણ તેની પાસેથી મળી આવ્યા હતા. જ્યારે કે મોરબીના સાત જેટલા ગ્રાહકોના નામ પણ સામે આવ્યા હતા.