દ્વારકામાં દેશના સૌથી લાંબા સિગ્નેચર બ્રિજનું ફેબ્રુઆરી અંતમાં પીએમ મોદી કરી શકે છે

દ્વારકા, સ્ટીલ સ્ટ્રક્ચર સાથે બનેલો દેશનો સૌથી લાંબો બ્રિજ અને આઇકોનિક બનેલા સિગ્નેચર બ્રિજનું હવે ટૂંક સમયમાં લોકાર્પણ થઇ જશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી ફેબ્રુઆરીના અંતમાં સિગ્નેચર બ્રિજ લોકાર્પણ કરવામાં આવી શકે છે. આ બ્રિજ માત્ર ગુજરાત નહી પણ સમગ્ર દેશમાં એક ઇન્ફ્રાટક્ચરની દ્રષ્ટિએ લેન્ડ માર્ક બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે સિગ્નેચર બ્રિજ એક ડ્રીમ પ્રોજેક્ટ હતો. કારણ કે વિશ્ર્વ પ્રસિદ્ધ જગત મંદિર દ્વારકાધીશ સૌ કોઇ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહી લાખો ભક્તો દ્વારકા દર્શન માટે આવે છે. પરંતુ ઓખાથી બેટ દ્વારકા જવા માટે ફેરી બોટનો ઉપયોગ કરવો પડે છે. પણ આ બ્રિજ તૈયાર થતા હવે સામાન્ય વ્યક્તિ કાર લઇ અવર જવર કરી શકશે.

દ્વારકા એટલે કાળીયા ઠાકરની ભુમી. દેવભુમી દ્વારકા તરીકે ઓળખાતા દ્વારકાની મહિમા વિશેષ છે. આ રમણીય અને પવિત્ર ભૂમી દ્વારકા પ્રવાસન તરીકે પણ વિક્સી રહ્યુ છે. શિવરાજપુર બીચ હોય કે સિગ્નેચર બ્રિજ હોય જે આજે દ્વારકા નહીં પણ સમગ્ર ભારત વર્ષ માટે આકર્ષણનુ કેન્દ્ર છે. દ્વારકાના વિકાસમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.

ઓખાથી બેટ દ્વારકા જવા માટે હવે ફેરીબોટની મદદ નહીં લેવી પડે. કારણ કે, ૯૭૮ કરોડના ખર્ચે આ ‘સિગ્નેચર બ્રિજ’ બનીને તૈયાર થઇ ગયો છે. ફોર લેન બ્રિજ ૨.૩૨ કિલો મીટર લાંબો, ૨૭.૨૦ મીટર પહોળાઇ ધરાવે છે અને બન્ને બાજુ ૨.૫૦ મીટર ફૂટપાથ છે

આ બ્રીજ ૨.૩૨ કિલોમીટર લાંબો છે. આ બ્રીજ પર વાહનોની અવર-જવર થઇ શકશે અને પગપાળા ચાલીને જતા યાત્રિકો માટે અહીં વોક વે બનાવવામાં આવ્યો છે. ૨,૩૨૦ મીટર (૭,૬૧૨ ફૂટ) ની કુલ લંબાઈ સાથે, કેબલ બ્રિજ ભારતમાં ૯૦૦ મીટર (૨,૯૫૩ ફૂટ) સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ ધરાવે છે. તે ૫૦૦ મીટર-લાંબા મયમ ગાળા સાથે ત્રણ સ્પાન ધરાવે છે. જે ભારતમાં સૌથી લાંબો છે. બંને બાજુના અન્ય ૩ સ્પાનની લંબાઈ ૧૦૦ મીટર અને ૨ સ્પાન ૫૦ મીટર છે.

દરિયા વચ્ચે ૧૩૦ મીટર ઉંચાઇ ધરાવતા પાઇલોન તૈયાર કરવામાં ભારે પવનના કારણે ઘણી સમસ્યાઓ આવી હતી. જ્યારે પવનની ઝડપ ૪૦ કિલોમીટર પ્રતિ કલાક કરતા ઓછી હોય ત્યાર બ્રિજનું કામ કરવામાં આવ્યુ હતું. આ બ્રિજની ખાસિયત એ છે કે, બ્રિજનો ૯૦૦ મીટરનો ભાગ કેબલથી લટક્તો રહેશે છતા ઝુલશે નહી આ બ્રિજ પર ૧૫૨ કેબલ લગાવવામાં આવ્યા છે. જેનું વજન ૧૫૦૦ ટન જેટલુ છે.

ફૂટપાથ ઉપર લગાવેલા સોલાર પેનલથી ૧ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. તેનો ઉપયોગ બ્રિજની લાઇટીંગ માટે કરવામાં આવશે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે. બ્રિજ પર કુલ ૧૨ લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યૂ ગેલેરીનું આયોજન કરવામાં આવશે. બ્રિજ પર રાત્રિ દરમિયાન શણગાર માટે ડેકોરેટિવ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે.