મોરબી મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીના ઝાપા પાસેથી મહિલાનું ટ્રક નીચે કચડાઈ જવાથી મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક મહિલાના પતિ દ્વારા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જો કે, પોલીસે તપાસ કરતાં મહિલાની હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવેલ છે જેથી પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને દીવાલ બનાવવાના ઝઘડાનો ખાર રાખીને મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલ મીલથી આગળના ભાગમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા રમણીકભાઈ કાનજીભાઈ ડાભી સતવારા (૫૫)એ થોડા દિવસો પહેલા ટ્રક નંબર જીજે ૧ એક્સ ૩૮૮૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ગત તા ૩૧ ના રોજ તેઓના પત્ની પંખુંબેન (૫૫) અનાજ દળવાની ચક્કીએ દરણું મૂકીને પરત ઘરે જતાં હતા ત્યારે રાધા કૃષ્ણ સોસાયટીના ઝાપા પાસેથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન પાછળથી આવેલા ટ્રક ચાલકે તેને હડફેટે લીધા હતા અને તેના શરીર ઉપરથી ટ્રકના ટાયર ફરી ગયા હતા જેથી કરીને ફરિયાદીના પત્નીને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને પોલીસે મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી
આ ગુનાની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર. સોનારા અને તેની ટીમ ચલાવી રહી હતી તેવામાં એવી ચોંકાવનરી માહિતી સામે આવી છે કે મહિલાનું મોત અકસ્માત નહીં પરંતુ હત્યાનો બનાવ છે. પોલીસે અગાઉ નોંધાયેલ ગુનામાં હાલમાં હત્યાની કલમનો ઉમેરો કરેલ છે અને અમૃતલાલ કેશવજી ચૌહાણ (૬૩) નામના આરોપીની ધરપકડ કરેલ છે અને મૃતક મહિલા સાથે દીવાલ બનાવવા બાબતે ઝઘડા થયો હતો તેનો ખાર રાખીને મહિલા ઉપર ટ્રકના ટાયર ફેરવી નાખીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવેલ છે જેથી પોલીસે આરોપીના રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે.