ગોધરા,
પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગના ICDS શાખામાં ફરજ બજાવતા મુખ્ય સેવિકા બહેનો દ્વારા આજે મુખ્ય સેવિકા અને કર્મચારી યુનિયન ના નેજા હેઠળ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે મહિલા અને બાળવિકાસ વિભાગની અતિ મહત્વની કામગીરી અમારા દ્વારા કરવામાં આવે છે.
ત્યારે અમારી કેટલીક પડતર માંગણીઓ છે. જેનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે. જેમાં જૂની પેન્શન યોજના ચાલુ કરવામાં આવે. મુખ્ય સેવિકાઓનો ગ્રેડ પે વધારવામાં આવે. એક જ પ્રકારના કેડરના કામ કરતા કર્મચારીઓની વિસંગતતાઓ દૂર કરવામાં આવે.નિવૃત્તિ મર્યાદાવય 60 વર્ષ કરવામાં આવે. પાંચ વર્ષના ફીકસ પગાર નિમણુંકને સળંગ દાખલ તારીખથી સર્વિસ ગણી પગાર સહિતનાં લાભો આપવા આદેશ કરવામાં આવે તથા નાણાં ખાતાનાં પરિપત્રનો કડક અમલ કરવામાં આવે. રાજય સરકારના વિભાગોની જેમ સિનિયોરીટીનાં ધોરણે પ્રમોશન આપવામાં અને પ્રમોશન માટેની ખાતાકીય પરિક્ષાની પ્રથા રદ કરવામાં આવે. સીધી ભરતીથી નિમણુંક પામેલ મૂખ્ય સેવિકાઓ આકરી પરિક્ષા આપીને નિમણુંક પામેલ છે તેને માટે ખાતાકીય પરિક્ષા જરૂરી નથી. જયારે 50 વર્ષની ઉંમર વિતાવેલ હોઈને મુખ્ય સેવિકાની ખાતાકીય પરિક્ષા લેવાતી હોઈને તે રદ કરવી જોઈએ,જયારે તમામ પરિક્ષાઓ પૂરતી ટ્રેનીંગ આપી પૂરતો સમય આપીને નિયમિત લેવી જોઈએ, તાજેતરમાં વર્ગ-3 માંથી વર્ગ-2 માં પ્રમોશન માટે લેવાયેલ પરિક્ષામાં 330 માંથી 330 તમામ મૂખ્ય સેવિકાઓ નાપાસ કરવાનું પરિણામ અશકય છે તેથી તેની તપાસ યોજી મૂખ્ય સેવિકાઓને ન્યાય મળવો જોઈએ, પરમેનન્ટ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (પી.ટી.એ.) અને ઘરભાડું લાંબા સમયથી વધારવામાં આવેલ નથી. પી.ટી.એ.માં 8 કિલોમીટર ત્રિજીયાની જોગવાઈ રદ કરવામાં આવે. તેમજ 300 % નો વધારો કરવામાં આવે. (પેટ્રોલ-ડીઝલનાં વધારા-ઘરભાડામાં થયેલ વધારો લક્ષ્યમાં લેવો જોઈએ. પી.ટી.એ.1991 થી વધારો થયેલ નથી. પ્રમોશનની નિમણુંકમાં ફીકસ પગારની પાંચ વર્ષની નીતિ અન્ય કોઈ વિભાગમાં નથી. તેમ તાર્કીક પણ નથી તેથી તે રદ કરવામાં આવે, તમામ મૂખ્ય સેવિકાઓને પ્રમોશનની ખાતાકીય પરિક્ષા આપાવની છૂટ આપવામાં આવે વગેરે જેવી વિવિધ માંગણીઓનો ત્વરિત નિકાલ લાવવા માંગ કરવામાં આવી હતી.