શિંદે સરકાર પર હજૂર સાહિબ ગુરુદ્વારા પર નિર્ણય લઈને શિરોમણી અકાલી દળ અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિ નારાજ

મુંબઇ, શિરોમણી અકાલી દળ અને શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી એટલે કે એસજીપીસી મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી કેમ નારાજ છે? શિરોમણી અકાલી દળ અને એસજીપીસીએ ૧૯૫૬ના ’શીખ ગુરુદ્વારા સચખંડ શ્રી હજૂર અભચલ નગર સાહિબ કાયદા’માં સુધારાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે.

એકનાથ શિંદેની સરકારે નાંદેડમાં સ્થિત શીખો માટે ધામક મહત્વ ધરાવતા આ ગુરુદ્વારા સંબંધિત કાયદામાં કેટલાક ફેરફારો કર્યા છે. પંજાબના રાજકીય પક્ષો અને અન્ય કેટલાક પક્ષોને આ ફેરફાર પસંદ આવ્યો નથી. તેથી, તેમણે આ સુધારો તાત્કાલિક પાછો ખેંચવા અથવા તેના બદલે તેને રદ કરવા માટે અવાજ ઉઠાવ્યો છે.

શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા દલજીત સિંહ ચીમાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે એવું લાગે છે કે એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકાર મનસ્વી રીતે ગુરુદ્વારા બોર્ડ પર નિયંત્રણ મેળવવા માંગે છે. ચીમાએ કહ્યું કે શીખ સમુદાય સરકારના આ પ્રયાસને ક્યારેય સહન કરશે નહીં. ચીમાએ મહારાષ્ટ્ર સરકારના સુધારાને શીખોના મામલામાં સીધો હસ્તક્ષેપ ગણાવ્યો અને નિર્ણયને તાત્કાલિક રદ કરવાની માંગ કરી.

શિરોમણી અકાલી દળના નેતાઓએ જ નહીં પરંતુ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિના હરજિંદર સિંહ ધામીએ પણ સરકારના નિર્ણય સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ધામીએ કહ્યું કે ’તખ્ત શ્રી હજૂર સાહિબ નાંદેડ ગુરુદ્વારા બોર્ડ’માં શીખ સંગઠનોના સભ્યોની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ યોગ્ય નથી.

ધામીએ તેને સીધો હસ્તક્ષેપ પણ ગણાવ્યો હતો. ધામીએ દાવો કર્યો હતો કે આવો પ્રસ્તાવ લાવતા પહેલા શીખો સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો ન હતો.એસજીપીસીનું કહેવું છે કે ગુરુદ્વારાના બોર્ડમાં નામાંક્તિ સભ્યોની સંખ્યા વધારવાનો અને શીખ સંગઠનોના સભ્યોને ઘટાડવાનો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય ગુરુદ્વારા પર કબજો મેળવવાનો પ્રયાસ છે.

ચીમાનો દાવો છે કે મહારાષ્ટ્ર સરકારના આ નવા સુધારા પછી ’નાંદેડ ગુરુદ્વારા બોર્ડ’ના કુલ ૧૭ સભ્યોમાંથી ૧૨ને નોમિનેટ કરવામાં આવશે. ઉપરાંત,એસજીપીસી જે અગાઉ ચાર સભ્યો મોકલતી હતી તે ઘટાડીને બે કરી દેવામાં આવી છે. ચીફ ખાલસા દીવાન અને હઝુરી સચખંડ દીવાનના નામાંકન નાબૂદ કરવા સામે જીય્ઁઝ્રને ઊંડો વાંધો છે.

આ ઉપરાંત, અગાઉના કાયદામાં બોર્ડમાં બે શીખ સાંસદોને સામેલ કરવાનો નિયમ હતો, જે એસજીપીસીનો દાવો છે કે હવે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. ચીમાએ નાંદેડ ગુરુદ્વારા મેનેજમેન્ટ બોર્ડમાં કરવામાં આવેલા ફેરફારો વિશે ફરીથી વિચાર કરવા કહ્યું છે અને ગુરુદ્વારા મેનેજમેન્ટમાં સરકારના પ્રભાવને વધારતા ’ષડયંત્રો’ પાછા ખેંચવાની વાત કરી છે.