વડોદરામાં ૧૩ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ કરાઇ

વડોદરા,એસઓજીએ મોટી કાર્યવાહી કરતા ગોરવામાંથી ગાંજાની ચોરી કરતા બે શખ્સોની ધરપકડ કરી. પોલીસે ૧૩ કિલોથી વધુના ગાંજાનો જથ્થો ઝડપ્યો. આ સાથે કપીલ અગ્રવાલ અને વસીમ ચૌહાણની ધરપકડ કરી. પોલીસ ગાંજાની ચોરીને લઈને અનેક શંકાસ્પદ સ્થાનોની તપાસ કરી રહી છે.

શહેરમાં અગાઉ પણ ગાંજાને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. થોડા મહિના અગાઉ ગોરવામાંથી એક્ટીવાની ડેકીમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતા બે શખ્સની ધરપકડ કરાઈ હતી. એ સમયે રૂ. ૧૧૯૫૦ ની કિંમતના ૧.૧૯૫ કિ.ગ્રા ગાંજાના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા હતા. શહેરમાં પ્રતિબંધિત વસ્તુના વેચાણને લઈને પોલીસ તંત્ર પોતાના સૂત્રો પાસેથી માહિતી મેળવતું હોય છે. તેમના બાતમીદારો પાસેથી માહિતી લઈ પોલીસ પહેલા શંકાસ્પદ સ્થાનો અને માણસો પર વોચ ગોઠવે છે. અને પછી અટકાયત અને સર્ચ ઓપરેશન હાથ ધરે છે.

વડોદરા શહેર સંસ્કારી નગરી માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ગેરરીતિઓ વધી છે. ઓક્ટોબર મહિનામાં સમા સાવલી રોડ પરથી ૧ કિલો ગાંજો મળી આવ્યો હતો. અચરજની વાત છે કે આ ૧ કિલો ગાંજો સામાન્ય રાહદારી પાસેથી મળી આવ્યો. પોલીસ સમા સાવલી રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક રાહદારીની પ્રવૃત્તિ પર શંકા જતા તેની તપાસ કરવામાં આવી. તપાસ કરતા તેની પાસેના થેલામાંથી ૧૦,૦૦૦ની કિમંતનો ગાંજો મળી આવ્યો. શહેરમાં અવાર-નવાર પ્રતિબંધિત એવો ગાંજાનો જથ્થો મળી આવતા સંસ્કારી નગરી એવા વડોદરામાં ગેરપ્રવૃત્તિઓ વધી રહી હોવાનું સામે આવ્યું છે.