નવીદિલ્હી ચૂંટણી પંચે અજિત પવારના જૂથને વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ગણાવી છે. ચૂંટણી સંસ્થાનો આ નિર્ણય પાર્ટીના સંસ્થાપક શરદ પવાર માટે મોટો ઝટકો છે. એક આદેશમાં, પંચે અજિત પવારની આગેવાની હેઠળના જૂથને એનસીપીનું ચૂંટણી પ્રતીક ઘડિયાળ પણ આપી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે નિર્ણયમાં તમામ પાસાઓની તપાસ અને પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં પક્ષના બંધારણના ઉદ્દેશ્યોનું પરીક્ષણ, પક્ષના બંધારણનું પરીક્ષણ અને બહુમતનું પરીક્ષણ સામેલ છે. અજિત પવાર જૂથને રાજ્યના મોટાભાગના ધારાસભ્યો તેમજ જિલ્લા પ્રમુખોનું સમર્થન છે.
જ્યારે અજિત પવારની તરફેણમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પોતાની આગવી શૈલીમાં કહ્યું કે તેઓ ચૂંટણી પંચના નિર્ણયનું સ્વાગત કરે છે. શરદ પવારને સલાહ આપતાં તેમણે કહ્યું કે હવે પવાર સાહેબ (શરદ પવાર)એ નવો પક્ષ બનાવવો જોઈએ અથવા ફરીથી એનડીએમાં જોડાવું જોઈએ કારણ કે તેમના માટે આ જ વિકલ્પ બચ્યો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું કે લોકશાહીમાં બહુમતી મહત્વની છે, તેથી જ ચૂંટણી પંચે અમને પક્ષનું નામ અને પ્રતીક ફાળવ્યું છે. તેમણે કહ્યું કે ૫૦ ધારાસભ્યો અમારી સાથે છે. આ ઉપરાંત મોટાભાગના જિલ્લા પ્રમુખો અને રાજ્યના પાર્ટી સેલના વડાઓ પણ અમને સમર્થન આપી રહ્યા છે. ચૂંટણી પંચના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાના શરદ પવારની આગેવાની હેઠળના એનસીપીના હરીફ જૂથના દાવા પર અજિતે કહ્યું કે દરેકને આમ કરવાનો અધિકાર છે.
બીજી તરફ, એનસીપી (શરદ પવાર) જૂથના સાંસદ સુપ્રિયા સુલેએ પંચના નિર્ણયને મહારાષ્ટ્ર અને મરાઠી લોકો વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું. જો કે, તેણે કહ્યું કે તે આ નિર્ણયથી બિલકુલ આશ્ર્ચર્યચક્તિ નથી. તેમને પહેલેથી જ અંદાજ હતો કે આ નિર્ણય ચૂંટણી પંચ તરફથી આવશે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે પંચનો નિર્ણય તથ્યો અને બહુમતી પર આધારિત છે.
અજિત પવારને એનસીપીનું નામ અને ચૂંટણી ચિન્હ ’ઘડિયાળ’ મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેનાના સાંસદ સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અજીતને પાર્ટી મળવી એ મોદીની ગેરંટી છે.
રાઉતે કહ્યું, ’તમારી પાસે ધારાસભ્યો અથવા સંસદસભ્ય હોઈ શકે છે. આવતીકાલે આ ધારાસભ્યો અને સાંસદો ચૂંટણી હારી જશે તો પાર્ટીનું શું થશે? સમગ્ર નિર્ણય ખોટો અને પક્ષપાતી છે. આ એક એવો નિર્ણય છે જે લોકશાહી અને બંધારણની હત્યા કરે છે.તેમણે વધુમાં કહ્યું કે શરદ પવાર આજે પણ પાર્ટીના સ્થાપક છે. તે ચૂંટણી પંચની સામે બેસી રહેતો હતો. ચૂંટણી પંચ જાણે છે કે તેઓ સ્થાપક છે, છતાં પક્ષ અજિત પવારને આપવામાં આવ્યો છે, આ મોદી માટે ગેરંટી છે.