ઉત્તરાખંડની પહેલ

લાંબા સમયથી ચર્ચામાં રહેલ સમાન નાગરિક સંહિતાને લઈને સૌથી પહેલાં ઉત્તરાખંડ સરકારે પહેલ કરી છે. આજે વિધાનસભામાં પુષ્કર સિંહ ધામી સરકાર યુસીસી (સમાન નાગરિક સંહિતા) બિલ રજૂ કર્યું. યુસીસીના ડ્રાફ્ટ બિલને મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. ઉત્તરાખંડ મંત્રીમંડળે સમાન આચાર સંહિતાના ડ્રાફ્ટ બિલને મંજૂરી આપી દીધી છે, આ ચાર દિવસના વિશેષ સત્રમાં આસાનીથી પસાર પણ થઈ જશે. કારણ કે ઉત્તરાખંડ સરકારમાં ભાજપ પાસે પર્યાપ્ત બહુમતી છે. પ્રદેશની વિધાનસભામાં ભાજપ પાસે ૪૭ અને કોંગ્રેસ પાસે ૧૯ સીટો છે. આ રીતે દેશને આઝાદી મળ્યા બાદ સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગુ કરનારું ઉત્તરાખંડ પહેલું રાજ્ય બની જશે. અસમ અને ગુજરાત જેવાં રાજ્યો પણ ઉત્તરાખંડ મોડેલ પર જ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની તૈયારીમાં છે. યુસીસી દેશની રાજનીતિના સૌથી વિવાદિત મુદ્દાઓમાં એક છે. જોકે બંધારણમાં પણ નીતિ નિર્દેશક તત્ત્વો રૂપે તેનો ઉલ્લેખ છે જ. એ દૃષ્ટિએ રાજનીતિની તમામ ધારાઓ એ વાત પર એકમત રહી છે કે દેશમાં તમામ પંથો, આસ્થાઓ સાથે જોડાયેલા લોકો પર એક જ પ્રકારના કાયદા લાગુ થવા જોઇએ. તેને વ્યવહારમાં લાવવા પર જો અસહમતિ રહી તો તેનો આધાર એ હતો કે કોઈ સમૂહને એવું ન લાગવું જોઇએ કે તેની આસ્થા કે સંસ્કૃતિને જબરદસ્તી અલગ કરાય છે.

જોકે છેલ્લા કેટલાક સમયથી તેના પર સારી એવી ચર્ચાઓ થઈ છે. ભાજપ લાંબા સમયથી તેની માંગ કરતી આવી છે અને તેણે આ મુદ્દાને જોરદાર રીતે ઉઠાવ્યો છે. ત્યાં જ ન્યાયપાલિકા દ્વારા પણ તેને વારંવાર લાગુ કરવાની જરૂરિયાત જણાવવામાં આવી છે. એવામાં એ માની શકાય કે દેશમાં તેને લઈને જાગૃતિ હાલના દિવસોમાં વધી છે. તેથી એક એક કરીને અલગ અલગ રાજ્યોમાં તેને લાગુ કરવા અને ત્યાંના અનુભવોના આધાર પર આગળ વધવાનો ખ્યાલ ખોટો નથી. જોકે ઉત્તરાખંડ સરકાર એના પર ધીમે ધીમે જ આગળ વધી છે, પરંતુ જસ્ટિસ રંજના દેસાઈની આગેવાની વાળી સમિતિનો રિપોર્ટ સાર્વજનિક નથી કરવામાં આવ્યો અને રવિવારે કેબિનેટ મંજૂરી આપી દીધા બાદ પણ મીડિયાને ઔપચારિક રીતે જાણકારી નહોતી આપવામાં આવી, તેથી તેની જોગવાઇઓ પર થોડું સસ્પેન્સ છે. આશા રાખીએ કે વિધાનસભામાં તેને રજૂ કરવા અને ત્યાં ચર્ચા શરૂ થયા બાદ તેની સાથે જોડાયેલ કેટલાંય પાસાં પર પ્રકાશ પડશે અને તમામ દુવિધાઓ, શંકા દૂર થઈ જશે. હાલમાં મીડિયામાં જે માહિતી ફરી રહી છે, તે અનુસાર વિવાહ, તલાક, દત્તક સાથે જોડાયેલા કાયદામાં એકરૂપતાની જે જોગવાઇ છે તે યુસીસીની મૂળ અવધારણાને અનુરૂપ જ છે. હા, લિવ ઇન રિલેશન વિશે પહેલેથી જાણકારી આપવા અને રજિસ્ટ્રેશન કરાવવાની અનિવાર્યતા પર થોડું વિચારવાની જરૂર લાગે છે. આ સંબંધ વિવાહ સાથે સંકળાયેલ ઔપચારિક્તાઓ, પ્રતિબદ્ઘતાઓથી બચવાની યુવા આકાંક્ષાની ઉપજ છે. એવામાં તેને એ જ સ્થિતિસ્થાપક્તા સાથે કાનૂની દાયરામાં લાવવાની જરૂર છે નહિ તો આ કવાયત બેકાર થવાનો ખતરો છે. જોકે હાલમાં કેટલાય કિસ્સામાં લિવ-ઇન સંબંધોના દુરુપયોગના કિસ્સા જોતાં સરકારે આ નિર્ણય લીધો હોવાની શક્યતા છે. એકંદરે રાજ્ય સરકારની આ મોટી પહેલ છે અને એના પર અમલની પ્રક્રિયા જ નહીં, તેનાં પરિણામો પર પણ આખા દેશની નજર રહેશે.