ગરબાડા, ગરબાડા તાલુકામાં માળખાકિય સુવિધાના નામે શાળાઓ તો ઉભી કરી દેવાઈ છે પણ એ શાળામાં ભણાવનાર શિક્ષકો જ નથી. ગરબાડા તાલુકાની કુમાર શાળામાં સરકાર દ્વારા ઈંગ્લીશ માઘ્યમ સ્કુલ ચાલુ કરવામાં આવી છે. જે સ્કુલ ચાલુ થયાને આજે 7 વર્ષ થવા આવ્યા છે. જે શાળામાં ધો-1 થી 7ના 82 બાળકો અભ્યાસ કરે છે. અત્યાર સુધી માત્ર 1 શિક્ષકો દ્વારા આ બાળકોને ભણાવવામાં આવે છે.
સરકારના પરીપત્ર મુજબ ઈંગ્લીશ માઘ્યમ સ્કુલમાં 1 થી 5 ધોરણમાં 2 શિક્ષકો તેમજ 6 થી 7 ધોરણમાં બે શિક્ષકો ફાળવવામાં આવતા હોય છે. પરંતુ અહિંયા 82 બાળકો અભ્યાસ કરતા હોવા છતાં એક જ શિક્ષક બાળકોને અભ્યાસ કરાવે છે. ઉલ્લેખનિય છે કે,અગાઉ રજુઆત કરાતા બે પ્રવાસી શિક્ષકો ફાળવ્યા હતા પરંતુ પ્રવાસી શિક્ષકોને 23 જાન્યુઆરી 2023ના રોજ તેઓની નિમણુંક રદ્દ કરવામાં આવી છે. સરકાર દ્વારા તાલુકા મથકે અંગ્રેજી માઘ્યમની શાળાઓ તો શરૂ કરી પરંતુ તેના પર ઘ્યાન આપવામાં આવતુ નથી તે હકીકત છે.
શાળામાં શિક્ષકોની ધટથી બાળકોનુ ભવિષ્ય અંધકારમય તરફ વળી રહ્યુ છે. સરકાર દ્વારા આ બાબતે ગંભીરતાથી નોંધ લેવામાં આવે તેમજ ઈંગ્લીશ મીડિયમ, શાળામાં જ્ઞાન સહાયક અથવા કાયમી શિક્ષકો આપે તેવી લાગણી અને માંગણી વાલીઓમાં ઉઠવા પામી છે.