ઝાલોદ, ઝાલોદ તાલુકાની આંગણવાડી બહેનોની પડતર માંગણીઓનો રજુ કરેલ બજેટમાં કોઈ જાહેરાત કે સ્વિકાર નહિ કરાતા આંગણવાડીની બહેનોમાં બજેટને લઈને ભારે રોષ ફેલાયો હતો. આંગણવાડી બહેનોએ ઝાલોદ ખાતે ભેગા થઈ બજેટની નકલને સળગાવી વિરોધ વ્યકત કર્યો હતો.
રાજય સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ બજેટમાં વિકાસને લઈને અનેક યોજનાઓની જાહેરાત તેમજ જોગવાઈ કરવામાં આવી છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ બાળકોના વિકાસને લઈને કામગીરી કરતી આંગણવાડી બહેનોને પડતર માંગણીઓને લઈને રાજય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કે સ્વિકાર કરવામાં નહિ આવતા આંગણવાડી કાર્યકર બહેનોમાં સરકારની નિતીઓને લઈને ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો. ત્યારે ઝાલોદના જુલાઈ માતા મંદિર ખાતે આંગણવાડી કાર્યકર બહેનોએ ભેગા થઈને રાજય સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ બજેટની નકલની હોળી કરી રાજય સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. સરકાર દ્વારા રજુ કરાયેલ બજેટમાં આંગણવાડી બહેનોના પગાર વધારા કે અન્ય કોઈપણ માંગણીઓ પ્રત્યે ઉલ્લેખ ન થયો હોય સરકાર પ્રત્યે નારાજગી વ્યકત કરી હતી. તેમજ આગામી સમયમાં આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડીને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.