ગાંધીનગર, છેલ્લા બે વર્ષમાં ગુજરાત રાજ્યના વર્ગ ૩ ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે નાણા વિભાગને કેટલી અરજીઓ મળી છે? કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ ગૃહમાં પ્રશ્ર્ન ઉઠાવયો હતો.જેમાં કેટલી અરજીઓ યુનિયન અને વ્યક્તિગત મળી છે, તેની વિગતો માગી હતી. જેનો જવાબ આપતા નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં કુલ યુનિયન દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓના પગાર વધારા માટે કુલ ૧૭ અરજીઓ મળી હતી. જયારે વ્યક્તિગત અરજીઓ ૮૮૦ મળી હતી. તેવી જ રીતે વર્ષ ૨૦૨૩માં ફિક્સ પેના વર્ગ ૩ના કર્મચારીઓના પગાર વધારા માટે યુનિયન દ્વારા કુલ ૩૮ વખત અરજી કરી છે. જ્યારે વ્યક્તિગત અરજીઓ ૯૨૧ મળી છે. જોકે, આ અરજીઓ ધ્યાને રાખીને ઓક્ટોબર ૨૦૨૩માં રાજ્ય સરકારે ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકાનો વધારો કર્યો હતો.