અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના દરોડા, કુલ ૫૦ લાખનો મુદામાલ જપ્ત

અમરેલી,અમરેલી જિલ્લામાં ખાન ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી. જિલ્લામાં ખાન ખનીજ વિભાગે અલગ-અલગ સ્થળ પર દરોડા પાડ્યા. ખાણ ખનીજ વિભાગે ૪ સ્થળ પર પાડેલ દરોડામાં ટ્રેકટર, ડમ્પર, જેસીબી સહીત કુલ ૫૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો. રાજ્યમાં દિવસેને દિવસે રેતી ખનન અને ખનીજ ચોરીનું પ્રમાણ વયું છે. લોકો તેમજ કથિત હિતો પોતાના લાભ માટે ગેરકાયદે ખનીજ ચોરી કરતા હોય છે. ચોરી પર નિયંત્રણ લાવવા સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી.

અમરેલીમાં કેટલાક સ્થાનો પર ખનીજ ચોરી થયાની માહિતી મળતા દરોડાની કામગીરી હાથ ધરાઈ. ખાણ ખનીજ વિભાગ દ્વારા ધારીના ગઢીયા અને ગરમલી તેમજ અમરેલીના મંગવાપાળમાં દરોડા પાડી વાહનો અને મુદ્દામાલ જપ્ત કર્યા. વિભાગે ધારીના વિસ્તારમાંથી ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવાતા ટ્રેકટર, ડમ્પર અને જેસીબી વાહનો જપ્ત કર્યા. જ્યારે આ સ્થાનો પર પાડવામાં આવેલ દરોડામાં કુલ ૫૦ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો.

અમરેલીના મંગવાપાળ વિસ્તારમાંથી ટ્રેક્ટર દ્વારા સાદી રેતીની ચોરી કરવામાં આવતી હતી. જ્યારે ધારીના ગરમલીમાંથી પણ ૨ ટ્રેક્ટર દ્વારા ખનીજ ચોરી થતી હતી અને કુંકાવવા ચોકડી નજીક રેતી ભરેલ ૧ ડમ્પર હતું જેને મંજૂરી આપવામાં નહોતી આવી. તેમજ ધારીના ગઢીયા ગામ નજીક માટીની ચોરી કરાતી હતી. વિભાગ દ્વારા દરોડા દરમ્યાન ખનીજ ચોરી થતું હોવાનું સામે આવતા ટ્રેક્ટર, જેસીબી અને ડમ્પર જેવા વાહનો સીઝ કર્યા. અગાઉ લીલીયા, સાવરકુંડલા અને અમરેલીમાં ખનીજ ચોરી થયાનું સામે આવતા દરોડા પાડી વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જેના ટૂંકા ગાળામાં વિભાગ દ્વારા ફરી દરોડા પાડો અભિયાન શરૂ કરાતા અમરેલીમાં વધુ ૪ સ્થળો પર દરોડા પાડી વાહનો સીઝ કરી મુદામાલ જપ્ત કરવામાં આવ્યો. રાજ્યમાં ખનીજ ચોરી કરતા વાહનો સામે ખાનગી રાહે તંત્ર દ્વારા વોચ ગોઠવી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના કારણે ઘણા અંશે ખનીજ ચોરી નિયંત્રણ થઈ શકે તેવુ અનુમાન સેવાઈ રહ્યું છે. તંત્રની કડકાઈ કામગીરીને પગલે ભૂમાફિયામાં ભયનો માહોલ ફેલાયો છે.