પહાડો પર વરસાદ-હિમવર્ષાનો કહેર, કેદારનાથ ધામમાં જામ્યા બરફનાં જાડા થર

શિમલા : હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ ચાલુ છે, જેના કારણે સામાન્ય જીવનને અસર થઈ છે અને ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ૬૪૫ માર્ગો પર વાહનોની અવરજવર સોમવારે બંધ કરવામાં આવી હતી. કેન્દ્રએ કહ્યું કે શિમલામાં ૨૪૨, લાહૌલ અને સ્પીતિમાં ૧૫૭, કુલ્લુમાં ૯૩, ચંબામાં ૬૧ અને મંડી જિલ્લામાં ૫૧ રસ્તાઓ બંધ છે.

કેદારનાથ ધામમાં જામ્યા બરફનાં જાડા થર. કેદારનાથ ધામમાં સતત બરફવર્ષાથી સફેદ ચાદર પથરાઇ છે. કેદાર વેલી ૪ ફૂટથી વધુ બરફથી ઢંકાઇ ગઇ છે. ઉત્તરાખંડમાં મુન્શિયારી, ઉત્તરકાશીમાં બરફવર્ષા થઇ રહી છે. હિમાચલ પ્રદેશમાં શિમલા, મનાલીમાં ભારે બરફવર્ષા થઇ રહી છે. કુલ્લુનું બિજલી મહાદેવ ધામ બરફથી ઢંકાયું.

હિમાચલના પહાડી વિસ્તાર લાહોલ સ્પિતિમાં હિમવર્ષા. લાહોલમાં ભારે બરફવર્ષાને કારણે રસ્તા થયા બંધ. જમ્મુ કાશ્મીરમાં પણ હિમવર્ષા યથાવત. શ્રીનગરના રસ્તાઓ પર જામ્યા છે બરફનાં થર. શ્રીનગરનું તાપમાન ઘટીને માઇનસ ૦.૪ ડિગ્રી થયું. ગુલમર્ગનું માઇનસ ૧૦ ડિગ્રી, પહલગામનું માઇનસ ૧૧.૯ ડિગ્રી. ભારે બરફવર્ષાને કારણે શ્રીનગર જતી ૬ ફ્લાઈટ્સ રદ્દ કરાઇ છે.

હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાને કારણે ૬૪૫ રસ્તા બ્લોક થયા છે. ૨૮૦ બસ રૂટ્સ પણ હિમાચલ પ્રદેશમાં પ્રભાવિત થયા છે. શિમલા, મનાલી, નારકંડામાં લઘુત્તમ તાપમાન માઇનસમાં. કાશ્મીરમાં ૫ ફેબ્રુઆરીએ હિમવર્ષા બંધ થઈ ગઈ અને થોડા સમય પછી ખીણ ફરીથી જમીન, રેલ અને હવાઈ માર્ગે દેશના બાકીના ભાગો સાથે જોડાઈ ગઈ. જ્યારે સવારની ફ્લાઈટ્સ થોડા વિલંબ સાથે શ્રીનગરમાં ઉતરી હતી, ત્યારે જમ્મુ-શ્રીનગર હાઈવેને માત્ર વન-વે ટ્રાફિક માટે પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે.

ઉત્તરાખંડના મુનશિયારી વિસ્તારમાં રાત્રે ભારે હિમવર્ષા થઈ હતી. મુનસિયારીમાં અડધા ફૂટ સુધી બરફ પડ્યો હતો, જ્યારે કલામુનીમાં બે ફૂટ બરફના કારણે વાહનવ્યવહાર થંભી ગયો હતો. બીઆરઓએ રસ્તો ખોલવા માટે મશીનો લગાવ્યા છે. મુનશિયારીના મિલમની સાથે ધારચુલાની દારમા અને વ્યાસની ખીણો પણ બરફથી ઢંકાયેલી છે. તે જ સમયે, પિથોરાગઢના તેજમ તાલુકામાં સૌથી વધુ વરસાદ થયો છે. સોમવારે મુનસિયારીનું મહત્તમ તાપમાન એક ડિગ્રી અને લઘુત્તમ તાપમાન માઈનસ ૨ ડિગ્રી નોંધાયું હતું. અલ્મોડા જિલ્લાના પાંડવખોલીમાં પણ હિમવર્ષા થઈ છે. બીજી તરફ નૈનીતાલના બાગેશ્ર્વર અને પંગોટ વિસ્તારમાં સવારે હિમવર્ષા થઈ હતી.