નવીદિલ્હી, આગામી લોક્સભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથના પુત્ર નકુલનાથે મોટું નિવેદન આપ્યું છે. નકુલ નાથે પોતાને છિંદવાડાથી લોક્સભા ઉમેદવાર જાહેર કર્યા છે. તેમણે કહ્યું છે કે કમલનાથ નહીં પરંતુ હું અહીંથી લોક્સભા ચૂંટણી લડીશ. તમને જણાવી દઈએ કે લોક્સભા ચૂંટણી માટે કોંગ્રેસ હાઈકમાન્ડની જાહેરાત પહેલા નકુલનાથે મોટો દાવો કર્યો હતો.
નકુલનાથના દાવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક કાર્યક્રમમાં કહેતા જોવા મળી રહ્યા છે કે આ વખતે પણ હું લોક્સભા ચૂંટણીમાં તમારો ઉમેદવાર બનીશ. કમલનાથ જી છિંદવાડાથી લોક્સભા ચૂંટણી નહીં લડે, હું અહીંથી જ લોક્સભાની ચૂંટણી લડીશ. નકુલનાથે કહ્યું કે તમે ૪૨ વર્ષથી નાથ પરિવારને ટેકો આપ્યો છે, પ્રેમ કર્યો છે અને આશીર્વાદ આપ્યા છે. હું આશા રાખું છું કે તમે ભવિષ્યમાં પણ તમારો સાથ અને પ્રેમ આપતા રહેશો.
તમને જણાવી દઈએ કે છિંદવાડા સીટ લાંબા સમયથી કમલનાથનો ગઢ રહી છે. તેઓ સતત નવ વખત આ બેઠક સંભાળી ચૂક્યા છે. ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં, રાજ્યની અન્ય ૨૮ બેઠકો પર ભાજપની જીત છતાં, નકુલનાથ છિંદવાડાથી જીત્યા હતા. નકુલનાથે ગત લોક્સભા ચૂંટણીમાં ભાજપના નાથનસાહ કાવરેતીને ૩૭,૫૩૬ મતોથી હરાવ્યા હતા. ૨૦૧૯માં એનડીએ ૨૮ સીટો જીતી હતી જ્યારે કોંગ્રેસે એક સીટ જીતી હતી.