ગ્રીનફીલ્ડ મેગા પોર્ટ સીટી’ વિક્સાવાશે: સૌરાષ્ટ્રના ૭ શહેરો ’શોર્ટલીસ્ટ’

ઔદ્યોગીક-ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ ધરાવતુ અને સૌથી લાંબી દરિયાપટ્ટી ધરાવતા ગુજરાતમાં વધુ એક મહત્વાકાંક્ષી પ્રોજેકટ સાકાર કરવાના ચક્રો ગતિમાન થયા છે. સૌરાષ્ટ્રમાં દેશનો પ્રથમ ગ્રીનફીલ્ડ મેગા પોર્ટ સીટી નિર્માણનો પ્રોજેકટ હાથ પર લેવામાં આવ્યો છે. તે માટે દરિયાકાંઠાના સાત શહેરોને શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી એકની આખરી પસંદગી થશે.

વિકાસની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં નમુનેદાર તથા વાઈબ્રન્ટની ઓળખ ધરાવતા ગુજરાત માટે હવે ગ્રીનફીલ્ડ મેગા પોર્ટ સીટીનો પ્રોજેકટ મંજુર કરવામાં આવ્યો છે અને તે માટે માસ્ટરપ્લાન ઘડવા આંતરરાષ્ટ્રીય કંપની કુશમેન એન્ડ વેકફીલ્ડને કામ પણ સોંપી દેવામાં આવ્યું છે.

સરકારના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે ગ્રીનફીલ્ડ મેગા પોર્ટ સીટી માટે સૌરાષ્ટ્રના જ સાત દરિયાપટ્ટીના શહેરોને શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે તેમાં પીપાવાવ, હજીરા, નાર્ગોલ, પોરબંદર, ભાવનગર, અમરેલી તથા કચ્છના અખાતનો સમાવેશ થાય છે.

આ સાતેય દરિયાકાંઠાના શહેરોનો વિસ્તૃત સર્વે કરવામાં આવ્યા બાદ કન્સલ્ટન્ટ કંપની દ્વારા રિપોર્ટ સોંપવામાં આવશે અને માસ્ટરપ્લાન તૈયાર કરવામાં આવશે અને તેના આધારે કોઈ એક શહેરની મેગા પોર્ટસીટી તરીકે પસંદગી કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું છે કે, કન્સલ્ટન્ટ કંપની દ્વારા તમામ સાત શોર્ટલીસ્ટેડ દરિયાઈ શહેરોનો સર્વે કરીને માસ્ટરપ્લાન તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કવાયત માટે કંપનીને 12 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. એક વખત માસ્ટરપ્લાન તથા શહેરની ફાઈનલ પસંદગી થઈ જવાના સંજોગોમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પ્રોજેકટ સાકાર કરવા માટે ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

દેશભરમાં સૌથી લાંબી દરિયાપટ્ટી ધરાવતા ગુજરાતમાં દરિયાઈ-બંદરોના વિકાસ માટે સરકાર નવા-નવા પ્રોજેકટો તૈયાર કરી જ રહી છે. કંડલા જેવા પોર્ટ દેશના સૌથી મોટા છે. બંદરોના વિકાસથી માંડીને માળખાકીય સુવિધા વધારવા માટે પણ બજેટમાં પર્યાપ્ત નાણાકીય ફાળવણી કરવામાં આવતી જ રહી છે. નવા નાણાકીય વર્ષના બજેટમાં પણ બંદરોને રોડ કનેકટીવીટી વધારવા માટેની મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી જ હતી.

ગુજરાતમાં રાજકોટ, સુરત જેવા ગ્રીનફીલ્ડ એરપોર્ટ ઉપરાંત દેશનો સૌપ્રથમ બુલેટટ્રેન પ્રોજેકટ પણ ગુજરાતમાં જ આકાર લઈ રહ્યો છે. ગીફટ સીટીના નિર્માણ સાથે વૈશ્ર્વિક વ્યાપાર પણ ગુજરાત ભણી જ આવવાનું સ્પષ્ટ છે. દેશવિદેશમાં ગુજરાતના વિકાસ-સમૃદ્ધિનો ડંકો છે તેવા સમયે સૌથી લાંબી દરિયાપટ્ટી મારફત વિકાસના નવા દ્વાર ખોલવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગ્રીનફીલ્ડ મેગાપોર્ટ સીટીના સમગ્ર પ્રોજેકટ વિશે હજુ સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ એક વખત ફાઈનલ થઈ ગયા બાદ ખર્ચ-સુવિધા સહિતની વિગતો જાહેર થવાનુ મનાય છે.