અમેરિકાએ પાકિસ્તાન ચૂંટણી પર ચિંતા વ્યક્ત કરી, કહ્યું- અમે સતત તેની નજીકથી નજર રાખી રહ્યા છીએ.

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં ૮ ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. અમેરિકા સહિત વિશ્ર્વના ઘણા દેશોની નજર આ ચૂંટણી પર છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને પાકિસ્તાનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કાયદાકીય અધિકારોના ઉલ્લંઘન અંગે ચિંતિત છે. અમેરિકાએ કહ્યું કે પાકિસ્તાની લોકોને તેમના મૂળભૂત અધિકારોનો ઉપયોગ કરીને ભાવિ નેતા પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા વેદાંત પટેલે પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે ’અમે પાકિસ્તાનની ચૂંટણી પ્રક્રિયા પર સતત નજર રાખી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે વધુને વધુ લોકો આમાં ભાગ લે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કાયદાકીય અધિકારોનું સન્માન કરવામાં આવે. વેદાંત પટેલે કહ્યું, ’અમે હિંસાની ઘટનાઓ, મીડિયાની સ્વતંત્રતા પરના પ્રતિબંધો, ઈન્ટરનેટ સ્વતંત્રતા પરના નિયંત્રણો વિરુદ્ધ છીએ. પાકિસ્તાનના લોકોને તેમના મૂળભૂત અધિકારોનો ઉપયોગ કરીને તેમના ભાવિ નેતાને પસંદ કરવાનો અધિકાર છે અને આ માટે ચૂંટણી મુક્ત, ન્યાયી અને કોઈપણ ભય વિના થવી જોઈએ.

અમેરિકન સમાચાર ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં રાજકારણીઓ વિરુદ્ધ જે કાર્યવાહી થઈ રહી છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે અને આ કારણોસર પાકિસ્તાનની ચૂંટણીની વિશ્ર્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે. પાકિસ્તાની સેના ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહી છે અને પીટીઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફોરેન પોલિસી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની સેના હજુ પણ સામાન્ય ચૂંટણીઓને પ્રભાવિત કરી રહી છે. વોશિંગ્ટન પોસ્ટ લખે છે કે પાકિસ્તાનની ચૂંટણી રાજ્યાભિષેક જેવી દેખાઈ રહી છે, જેમાં વિજેતા પહેલેથી જ નક્કી લાગે છે.

૨૪૧.૫ મિલિયનની વસ્તી સાથે પાકિસ્તાન વિશ્ર્વનો પાંચમો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. પાકિસ્તાનમાં પુરૂષ મતદારોની સંખ્યા ૬.૯ કરોડ છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા ૫.૯ કરોડ છે. પાકિસ્તાનમાં મતદાનની ઉંમર ૧૮ વર્ષ છે. પાકિસ્તાનમાં ૯૬ ટકા મતદારો મુસ્લિમ, ૧.૫૯ ટકા ખ્રિસ્તી, ૧.૬ ટકા હિંદુ અને ૦.૫ ટકા અન્ય છે. પાકિસ્તાનની ચૂંટણીમાં ૨૬૬ સીટોવાળી નેશનલ એસેમ્બલીમાં પહોંચવા માટે ૫૧૨૧ ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી માત્ર ૩૧૨ મહિલાઓ છે અને ૨ ટ્રાન્સજેન્ડર છે.