જીલ્લામાં યોજાનાર આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમના આગોતરા આયોજન અંગે કલેકટર નેહા કુમારીના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

મહીસાગર, રાજ્યસરકાર દ્વારા આવાસ લોકાર્પણ અને ખાતમૂહર્ત કાર્યક્રમ આગામી 10 ફેબ્રુઆરીએ યોજવાનો છે. ત્યારે આ કાર્યક્રમ વિધાનસભા મુજબ યોજવાનો છે. જે અંતર્ગત મહીસાગર જીલ્લામાં લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લા કલેકટર નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં જરૂરી માર્ગદર્શન અને સુચનો કરવામાં આવ્યા હતા તેમજ સુચારૂ આયોજન થકી કાર્યક્રમ યોજવા માટેના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. 10 મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જીલ્લાના ડીસા ખાતે કેન્દ્ર તથા રાજય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ- શહેરી, હળપતી આવાસ યોજના, ડો. આંબેડકર આવાસ યોજના, પંડીત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓ અંતર્ગત સમગ્ર રાજયના 33 જીલ્લાઓના આવાસોના ઇ- લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનાર છે.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, અધિક નિવાસી કલેક્ટર, પ્રાયોજના વહીવટદાર, નિયામક જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.