વન વિભાગની મહેરબાનીથી ઘોઘંબા પંથકમાં લીલા વૃક્ષોનું સત્યાનાશ રોજની 50થી વધુ ગાડીઓ ગેરકાયદેસર લાકડા ભરી અવરજવર કરે છે

  • વન વિભાગ ની મિલી ભગત થી ઘોઘંબા પંથક માં લાકડા વેપારીઓને લીલા લહેર.
  • રોજની 50 થી વધુ ટ્રેક્ટર,ટેમ્પા ગેરકાયદેસર લાકડાની હેરફેર કરે છે.
  • પંચમહાલ ના બાહોશ અધિકારી એચ.ટી. મકવાણા જઉખ ના ચાર્જ માં હતા ત્યારે ગેરકાયદેસર લાકડા ભરી જતી ગાડી ડિટેન કરી હતી.
  • ઘોઘંબાના જંગલને બચાવવું હોય તો વનવિભાગના અધિકારીની બદલી કરી કોઈ દબંગ અધિકારીની નિમણૂક કરવામાં આવશે તોજ ઘોઘંબાનું જંગલ બચશે.

ધોૂધંબા, ઘોઘંબા તાલુકામાં ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. લાકડા ચોરો ખૂલે આમ ધોળે દિવસે ટ્રેક્ટર તથા ટેમ્પામાં પ્રતિબંધીત લીલા વૃક્ષોનું કટીંગ કરી ગોધરા,વેજલપુર હાલોલ લઈ જઈ રહ્યા છે , છતાં પણ રાજગઢ વન વિભાગના આરએફઓ અધિકારી ના પેટનું પાણી હલતું નથી. સરકાર એક તરફ “પર્યાવરણ બચાવો” “વધુ વૃક્ષો વાવો”નમો વડ વન” ની જુંબેશ ચલાવી લાખો છોડની રોપણી કરી રહ્યા છે પરંતુ મોટા થયેલા વૃક્ષોની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.

ઘોઘંબા તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારો, સરકારી ગૌચર અને જંગલ વિસ્તારો માંથી લાકડા માફિયાઓ લીલા વૃક્ષો કટીંગ કરી બપોર તથા સાંજના સાત થી મોડી રાત સુધી લાકડાની હેરફેર કરી રહ્યા છે. જેમાં કોઈપણ જાતની પાસ પરમિટ લેવામાં આવતી નથી જો કોઈ ગાડીને પાસ આપી હોય તો એક પાસ ઉપર ત્રણ ફેરા મારવામાં આવે છે. તુમાર મુકવામાં આવે ત્યારે જે તે સર્વે નંબરમાં આવેલા ઝાડ કરતા વધારે ઝાડ દર્શાવવામાં આવે છે. વૃક્ષોના કટીંગ બાદ કોઈપણ જાતનું ઘનફૂટ કાઢવું કે તેના ઉપર સિક્કા મારવામાં આવતા નથી અને પાસ પણ આડેધડ આપી દેવામાં આવે છે.

રાજગઢ વિભાગ દ્વારા લાકડા ચોરો સાથે ભાગીદાર હોવાની ચર્ચાઓ નગરમાં થઈ રહી છે. સરકારે જાહેર કરેલા પ્રતિબંધિત વૃક્ષ મહુડો, સાગ, ખેર કપાતા હોય તો ગ્રામજનો વનવિભાગને બાતમી આપતા ડરે છે. કારણ કે વન વિભાગ અને લાકડા માફિયાઓની મીલી ભગત હોય છે બાતમી આપનાર નું નામ અને નંબર તાત્કાલિક વેપારી પાસે પહોંચી જાય છે અને લાકડા ચોરો બાતમીદારને ધમકી આપી ચૂપ કરી દેવાતા હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી. સીમના વૃક્ષો લાકડા ચોરોએ રહેવા દીધા નથી હવે તેમની નજર ઘોઘંબા ના જંગલોમાં છે. ઘોઘંબાના જંગલમાં અંદરની તરફ તમે આટો મારો તો તમને કપાયેલા વૃક્ષોના ઠુંઠા જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી હોય કે માલિકીના બધા વૃક્ષો પર્યાવરણ બચાવે છે અને ઑક્સીજન આપે છે. નવા રોપેલા વૃક્ષો મોટા થવા માટે 20 વર્ષ જેટલો સમય લાગે છે. ત્યારે ઑક્સીજન અને પર્યાવન બચાવવા માટે લીલા વૃક્ષોનું કટિંગ અટકાવવુ અત્યંત જરૂરી બન્યુ છે.