ફતેપુરાથી સલરા મહુડાને જોડતા ડામર રસ્તાની નબળી કામગીરીને લઈ લોકોમાં આક્રોશ

ફતેપુરા,ફતેપુરાથી વાયા સલરા મહુડા થઈ બટકવાડાને જોડતા ડામર રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં વેઠ ઉતારાતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

ફતેપુરાથી વાયા સલરા મહુડા સુધીના 8 કિ.મી.માર્ગના નવીનીકરણ કામગીરી હાથ ધરાઈ છે. છ મહિના અગાઉ કોન્ટ્રાકટર દ્વારા ફતેપુરાથી સલરા સુધી 4 કિ.મી.ના રસ્તાની કામગીરી છોડી દેવાઈ હતી. 6 મહિના બાદ કોન્ટ્રાકટર દ્વારા પુન: સલરા મહુડા સુધીના રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એક સપ્તાહ પહેલા શરૂ કરાયેલ કામગીરીમાં રસ્તા પર મેટલ પાથરી અચાનક કામગીરી અધુરી છોડી બંધ કરી દેવાઈ હતી. જેના કારણે રસ્તા પર પાથરેલ મેટલ ઉખડી જતા રસ્તે પસાર થતાં વાહનચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. રસ્તા પર મેટલ અને કાંકરી નીકળી જતાં દરરોજ કેટલાય મોટરસાયકલ ચાલકો પડી જતાં અકસ્માતનો ભોગ બની રહ્યા છે. નબળી કામગીરીથી પડતી હાલાકીને લઈને સ્થાનિક લોકો સહિત ગામના સરપંચે આ કામગીરીનો સખ્ત વિરોધ નોંધાવ્યો છે.