પીપલોદ ગામે સરકારી જમીનમાંથી દબાણો હટાવવા તંત્રની ઉદાસીન નિતી

દે.બારીઆ,દે.બારીઆ તાલુકાના પીપલોદ ગામે સરકારી જમીનમાં દબાણ હટાવી લેતા ગ્રામ પંચાયતની નોટિસના 5 મહિના પછી પણ પરિણામ શુન્ય આવ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીઆ તાલુકાના પીપલોદ ગામ ખાતે ભુત ફળિયામાં રહેતી લલિતા કનુ બારીયાએ પીપલોદ ગામના રોડ પર આવેલા ખાતા નં.841ના રેવન્યુ સર્વે નં.74/1વાળી જમીન પીપલોદ ગ્રામ પંચાયતમાં સરકારી પડતર જમીન હોય આ જમીનમાં પીપલોદ ગામના દાહોદ રોડ ઉપર રહેતા જમીન વિહોણા માણસોને આશરે 20 વર્ષ અગાઉ રહેણાંક ધર માટે 100 ચો.મી.જમીન સરકાર તરફથી ફાળવવામાં આવી હતી. પરંતુ સરકારે ફાળવેલ જમીન ઉપરાંત વધારે જમીનમાં આશરે 400 થી 500 ચો.મી.જમીનનુ વધારે દબાણ કરી પાકું બાંધકામ કરી દેતા પીપલોદ ભુત ફળિયાના માણસોને અવર જવર કરવા માટે રસ્તો નહિ રહેતા કોઈ માણસ બિમાર પડે અથવા કોઈ સગર્ભા મહિલાને પ્રસૃતિ માટે લઈ જવી હોય ત્યારે ખાટલામાં અથવા ઝોળી કરીને રોડ સુધી લાવવુ પડતુ હોય છે. જયારે કોઈનુ મરણ થાય તેવા સંજોગોમાં સ્મશાનવિધિ માટે જતા ડાઘુઓને પણ ધણી મુશ્કેલીઓ પડતી હોય છે. ગેરકાયદેસર રીતે વધારે દબાણ કરી જમીન ઉપર પોતાનો કબ્જો જમાવી દેતા ભુત ફળિયાના 60 જેટલા ધરના લોકોને અવર જવર કરવા માટે પડતી તકલીફ માટે પીપલોદ ભુત ફળિયા ખાતે રહેતી વિધવા મહિલા લલિતા કનુ બારીયાએ સરકારી જમીનમાં ગેરકાયદેસર થયેલા દબાણ દુર કરવા માટે અગાઉ આપેલી અરજીઓનો હજુ સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. મળતી માહિતી મુજબ પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તાને તા.21/07/2023ના રોજ દિન-5માં દબાણ હટાવી લેવા જણાવાયુ છે.જે વાતને પાંચ મહિના વિતી ગયા છતાં હજુ કોઈ દબાણ તંત્ર દ્વારા ખુલ્લુ કરવામાં આવ્યુ નથી. સરકારી તંત્ર દ્વારા લેન્ડગ્રેબિંગના નવા કાયદા મુજબ સરકારી દબાણ ખુલ્લુ કરી તે જગ્યાએ રસ્તો બનાવવામાં આવે તેવા પ્રયાસો જવાબદાર તંત્ર કરે તે જરૂરી બન્યુ છે.