ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન તેમજ આધ્યાત્મિક હેતુથી વિક્સાવાઈ રહી છે. વડનગરમાં સપ્ત ૠષિનો આરો તથા દાઈલેકને રૂ.૧,૨૬૪ લાખના ખર્ચે વિક્સાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને તેના માટે એજન્સીને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ઊંઝાના ધારાસભ્ય શ્રી કે.કે પટેલના પ્રશ્ર્નનો પ્રસ્તુત્તર આપતા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું. પેટા પ્રશ્ર્નનો જવાબ આપતા પ્રવાસન મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડનગર ખાતે સપ્તૠષિનો આરો તેમજ દાઈલેક ખાતે લેન્ડસ્કેપિંગ, પ્રવેશ દ્વાર, પાકગ અને ટોયલેટ બ્લોક જેવી આધુનિક સુવિધા પ્રવાસીઓ માટે વિક્સાવવામાં આવશે. ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અને ગુજરાત સરકારના વિશેષ પ્રયાસોના પરિણામે છેલ્લા એક વર્ષમાં અંદાજે ૮.૬૫ લાખ જેટલા પ્રવાસીઓ વડનગરની મુલાકાત લીધી છે. પ્રવાસન માટે અગ્રેસર ગુજરાત વિદેશી પ્રવાસીઓ માટે પણ પ્રથમ પસંદગીનું સ્થાન રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અંદાજે ૧૫ કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે,જે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે તેમ, પ્રવાસન મંત્રીશ્રી મૂળુભાઈએ વધુ વિગતો આપતા ગૃહમાં ઉમેર્યું હતું.