કોવિડ રસીકરણની આડ અસરથી હાર્ટ એટેકની ઘટનાઓને આરોગ્યમંત્રીએ નકારી

ગાંધીનગર, ગાંધીનગરમાં ૧ ફેબ્રુઆરીથી ગુજરાતનું બજેટ સત્ર શરુ થયુ છે.વિધાનસભામાં ગુજરાતમાં વધતી હાર્ટ એટેકની ઘટનાઓ અંગે તેમજ રાજ્યમાં પુરી પાડવામાં આવતી સ્વાસ્થ્ય સુવિધાઓ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.જેનો જવાબ ગુજરાતના આરોગ્ય પ્રધાન ૠષિકેશ પટેલે આપ્યો હતો.

આરોગ્ય મંત્રી ૠષિકેશભાઈ પટેલે કોવીડ રસીકરણની આડ અસરથી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને ૨૫૦ કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જેએન ૧ વેરિયેન્ટ અંતર્ગત પ્રશ્ર્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ની સ્થિતિએ અમદાવાદ શહેરમાં કોવિડ જેએન ૧ વેરિયેન્ટના ૮૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. સરકારે સાવચેતીના પગલાં રૂપે લેવાયેલ પગલાં અંગે જણાવ્યું કે દર્દીના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવી છે.