- ભાજપના રાજકારણને લઇને મોટા સમાચાર
- વજુભાઈ વાળા ચૂંટણીમાં સક્રિય થાય તેવા સંકેત
- બી.એલ.સંતોષે વજુભાઈ વાળાના નિવાસસ્થાને બેઠક કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતની મુલાકાતે આવેલા છે. અગાઉ કમલમ ખાતે પણ બી.એલ.સંતોષના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોર કમિટીના સભ્યો સાથે મંથન કરાયું હતું. વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપની કોર કમિટીમાં ફેરફાર કરાયા હતા. ત્યારે હવે ફરી એકવાર ભાજપના રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
વજુભાઇવાળાને સૌરાષ્ટ્રનું સુકાન સોંપાશે ?
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇવાળા ચૂંટણીમાં સક્રિય થાય તેવા સંકેતો પ્રાપ્ત થયા છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષે ગઇકાલે વજુભાઇ વાળાના નિવાસસ્થાને બેઠક કરી હતી. બી.એલ.સંતોષની સાથે વી.રત્નાકર, સાંસદ વિનોદ ચાવડા પણ હાજર હતા. લગભગ 30મિનિટની વાતચીત થઇ હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીમાં સૌરાષ્ટ્રનું સંપૂર્ણ સુકાન વજુભાઇને સોંપાય તેવી શક્યતાઓ છે.
6 સિનિયર નેતાઓનો કોર કમિટિમાં સમાવેશ
ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષના અધ્યક્ષ સ્થાને કમલમ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં કોર કમિટીના સભ્યો સાથે મંથન કરાયું હતું. ગુજરાત ભાજપની કોર કમિટીમાં પણ મોટો ફેરફાર કરાયો હતો. કોર કમિટીમાં 6 સિનિયર નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોધરાની એન્ટ્રી થઇ છે. તો આર.સી.ફળદુ અને ભારતીબેન શિયાળનો પણ સમાવેશ થયો છે. આ પહેલા કોર કમિટીમાં 12 સભ્યો હતા. સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાધાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજન બેન ભટ્ટ અને 5 મહામંત્રીઓનો કોર કમિટીમાં સમાવેશ થયો હતો.