પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. થરાદની તાલુકામાં કાસવી માયનોર કેનાલ-૨માં ગાબડું પડ્યાના સમાચાર સામે આવ્યા છે. કેનાલમાં ૨૫ ફૂટનું ગાબડું પડતા પાણીનો વેડફાટ થયો છે, તો ખેડૂતોએ પણ મોટું નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે.
થરાદના કાસવી માયનોર કેનાલ-૨ માં ગાબડું પડ્યું છે. કેનાલમાં લગભગ ૨૫ ફૂટનું લાંબું ગાબડું પડ્યુ છે. કેનાલમાં ગાબડું પડવાની ઘટનાને લઈ હજારો લીટર પાણીનો વેડફાટ થવા લાગ્યો છે. ગાબડું પડવાને લઈ કેનાલની બાજુમાં રહેલા ખેતરમાં પાણી ભરાઈ જવાને લઇ ખેડૂતોએ મોટું નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ પાકમાં મોટું નુક્સાન થવાને લઇ મુસીબતમાં મુકાવું પડ્યુ છે.
કેનાલની બાજુમાં રહેલા ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા જીરૂ, રાયડો, ઘઉંના ઉભા પાકને નુકશાન થયુ છે. વારંવાર ગાબડા પડવાને લઇ કેનાલની ગુણવત્તાને લઈ આક્ષેપો થવા લાગ્યા છે. હલકી ગુણવત્તાના કામને કારણે કેનાલોમાં વારંવાર ગાબડાં પડતા હોવાના સ્થાનિક ખેડૂતોના આક્ષેપ કર્યો છે. નબળી ગુણવત્તાની કેનાલને લઈ કેનાલની આસપાસમાં રહેલા ખેડૂતોએ વારંવાર નુક્સાન વેઠવુ પડી રહ્યું છે.