ઓટાવા, કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું છે કે કેનેડા કટ્ટરપંથી ઈઝરાયેલના નાગરિકો અને પેલેસ્ટાઈનનો હિસ્સો એવા પ્રદેશ પર કબજો કરનારા હમાસના નેતાઓ પર પ્રતિબંધો લાદશે. એક મીડિયા ઈન્ટરવ્યુમાં જોલીએ કહ્યું કે સરકાર આ દિશામાં સક્રિય રીતે કામ કરી રહી છે. મેલાનિયા જોલીએ તાજેતરમાં યુક્રેનની મુલાકાત લીધી હતી અને ત્યાં યુક્રેનના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
મેલાની જોલીએ કહ્યું કે અમે કટ્ટરપંથી વસાહતીઓ પર પ્રતિબંધો તેમજ હમાસના નેતાઓ પર નવા પ્રતિબંધો લાદીશું.કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટૂડોએ પણ એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ પશ્ર્ચિમ કાંઠે ગેરકાયદેસર રીતે સ્થાયી થયેલા કટ્ટરપંથી ઇઝરાયેલીઓ સામે પ્રતિબંધો લાદવાનું પણ વિચારી રહ્યા છે. ટૂડોએ કહ્યું કે વેસ્ટ બેંકમાં જમીન કબજે કરવા માટે થઈ રહેલી હિંસા અસ્વીકાર્ય છે અને તે પ્રદેશની શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકી શકે છે. બે રાષ્ટ્રોના ઉકેલ તરફ આગળ વધવું જરૂરી છે.
મેલાની જોલીએ કહ્યું કે કેનેડા યુદ્ધનો અંત લાવવાનો માર્ગ શોધવા માટે સમપત છે અને વિવાદના ઉકેલની તરફેણ પણ કરે છે. અમે ઈચ્છીએ છીએ કે હમાસ તેના હથિયારો સોંપે, જેથી યુદ્ધવિરામ થઈ શકે. જોલીએ કહ્યું કે સૌથી પહેલા અમે બંધકોને મુક્ત કરવા માટે ડીલ ઈચ્છીએ છીએ. તેમજ ગાઝાને માનવતાવાદી રાહત આપવી જોઈએ. અમે સુધારેલ પેલેસ્ટિનિયન ઓથોરિટી ઈચ્છીએ છીએ. તે જ સમયે, અમે ઇઝરાયેલમાં એવી સરકાર ઇચ્છીએ છીએ જે બે-રાજ્ય ઉકેલ તરફ મહત્વપૂર્ણ કાર્ય કરવા તૈયાર હોય.
અમેરિકાએ ૭ ઓક્ટોબરથી હમાસ પર પાંચ રાઉન્ડના પ્રતિબંધો લાદ્યા છે. ગત સપ્તાહે પણ અમેરિકાએ હમાસ પર નવા પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકાએ પશ્ર્ચિમ કાંઠે વધી રહેલી હિંસા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. હકીક્તમાં, કટ્ટરપંથી ઇઝરાયેલના નાગરિકો પશ્ર્ચિમ કાંઠે સ્થાયી થઈ રહ્યા છે અને વર્ષ ૨૦૨૩માં તેમની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો છે. પશ્ર્ચિમી દેશોએ આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.