હિમાચલ અને ઉત્તરાખંડમાં પૂર અને વરસાદને કારણે ભારે તારાજી, 33 લોકોના મોત

છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે દેશના પાંચ રાજ્યોમાં 33 લોકોના મોત થયા છે, જ્યારે 17 લોકો લાપતા છે. હિમાચલ પ્રદેશમાં 22 લોકોના મોત થયા છે. સૌથી વધુ વિનાશ હિમાચલપ્રદેશના મંડી, કાંગડા અને ચંબામાં થયો હતો. જ્યારે ઉત્તરાખંડમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા. આ સિવાય ઓડિશામાં ચાર, જમ્મુ-કાશ્મીરમાં બે અને ઝારખંડમાં એકનું મોત નોંધાયું છે.

હિમાચલમાં શુક્રવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે મણિમહેશ યાત્રા બે દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે.

મંડીમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે 16 લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. અહીં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં એક જ પરિવારના 8 લોકોના મોત થયા છે. જ્યારે, થુનાગમાં વાદળ ફાટવાના કારણે 31 મકાનો, 60 દુકાનો, 26 ગૌશાળાઓ અને એક પુલ ધરાશાયી થવા પામ્યો હતો. ચંબામાં કાટમાળમાં દટાઈ જવાને કારણે ઘરમાં સૂઈ રહેલા દંપતી અને તેમના પુત્રનું મોત થયું હતું. હિમાચલ રાજ્યના 268 માર્ગો પર વાહનવ્યવહાર થંભી ગયો હતો. જો કે સતત વરસાદથી આવેલ પૂર અને ભૂસ્ખલનને કારણે હિમાચલ અને ઉત્તરાખંડમાં 17 લોકો હજુ પણ ગુમ છે.

પૉંગ ડેમની જળ સપાટી 1374.78 ફૂટે પહોંચી છે. હિમાચલમાં કાંગડા અને પંજાબમાં હોશિયારપુર, ગુરદાસપુર, પઠાણકોટ, મુકેરિયન, દસુહા, જવાલી, ઈન્દોરા, નુરપુર, ફતેહપુર, જવાલી, તલવાડા, હાજીપુર અને ઈન્દોરા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શાહ કેનાલ બેરેજ અને બિયાસમાંથી પાણી છોડવામાં આવી શકે છે. સૌથી વધુ નુકસાન મંડી, કાંગડા અને ચંબામાં થયું છે. મંડીમાં એક જ પરિવારના આઠ લોકોના મોત થયા છે. થુનાગમાં વાદળ ફાટ્યું છે. જેના કારણે 26 ગૌશાળા અને પુલ સહિત 31 મકાનો અને 60 દુકાનો ધરાશાયી થયા છે.

અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને પૂરને કારણે અનેક રસ્તાઓ ઉપર વાહનવ્યવહાર અટકી ગયો છે. ઘસમસતા પૂરમાં પુલ તૂટ્યો છે. એક શહેરથી બીજા શહેરમાં આવવા જવા માટે અવરજવર અટકી ગઈ છે. 12 લોકો હજુ પણ લાપતા હોવાના અહેવાલ છે. હેલિકોપ્ટરની મદદથી ચાર લોકોને બચાવી લેવાયા હતા. ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 250 રસ્તાઓ બંધ. ઉધમપુર જિલ્લાના ટિકરી બ્લોકમાં એક ઘર પર પહાડનો ભાગ તુટી પડ્યો હતો. જેના કારણે આરીફ (3) અને ગની (2 મહિના)નું મોત નિપજ્યું છે. આ ઘટનામાં એક બાળકને બચાવવામાં આવ્યો છે. જો કે અન્ય ત્રણ કાટમાળ નીચે દટાયા છે. ભૂસ્ખલનને કારણે ઉધમપુર-પાંચેરી અને મોંગરી રોડ પણ બંધ છે.