લખનૌ, ઉત્તર પ્રદેશના નાણામંત્રી સુરેશ કુમાર ખન્નાએ સોમવારે રાજ્ય વિધાનસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કર્યું. ઉત્તર પ્રદેશ સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રાજ્યના બજેટનું કદ વધારીને રૂ. ૭,૩૬,૪૩૭ કરોડ કર્યું છે. જેમાં રૂ. ૨૪,૮૬૩.૫૭ કરોડની નવી યોજનાઓનો સમાવેશ થાય છે. આ રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં કુલ રૂ. ૬,૦૬,૮૦૨.૪૦ કરોડની આવક અને રૂ. ૧,૧૪,૫૩૧.૪૨ કરોડની મૂડી આવકનો સમાવેશ થાય છે. બજેટમાં રાજકોષીય ખાધ રૂ. ૮૬,૫૩૦.૫૧ કરોડ અંદાજવામાં આવી છે, જે વર્ષ માટે રાજ્યના અંદાજિત કુલ સ્થાનિક ઉત્પાદનના ૩.૪૬ ટકા છે.
બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે ડાર્ક ઝોનમાં નવા ખાનગી ટ્યુબવેલ કનેક્શન આપવા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, જેનો સીધો ફાયદો લગભગ એક લાખ ખેડૂતોને થયો છે. ખન્નાએ કહ્યું કે નિરાધાર મહિલા પેન્શન યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને ચૂકવવાપાત્ર રકમ પ્રતિ માસ રૂ. ૫૦૦ થી વધારીને રૂ. ૧,૦૦૦ પ્રતિ માસ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ૨૦૨૩-૨૦૨૪ના ત્રીજા ક્વાર્ટર સુધી આ યોજના હેઠળ ૩૧,૨૮,૦૦૦ નિરાધાર મહિલાઓને લાભ મળ્યો છે.
મંત્રીએ કહ્યું કે મહિલા ખેડૂત સશક્તિકરણ પ્રોજેક્ટ હેઠળ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ૨૦૦ ઉત્પાદક જૂથો બનાવવા અને તકનીકી સહાય પૂરી પાડવાનું લક્ષ્ય છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે રાજ્યના બજેટનું કદ રૂ. ૬.૯૦ લાખ કરોડ હતું. જેમાં રૂ. ૩૨,૭૨૧ કરોડની નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કુમાર ખન્નાએ કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી ૨૦૨૨-૨૦૨૩ માટે લગભગ ૧૦ લાખ વીમાધારક ખેડૂતોને ૮૩૧ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી ક્સિાન સન્માન નિધિ યોજના હેઠળ, ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં ડીબીટી દ્વારા લગભગ ૬૩,૦૦૦ કરોડ રૂપિયાની રકમ ૨ કરોડ ૬૨ લાખ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. વર્તમાન સરકારે વર્ષ ૨૦૧૭ થી ૨૯ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં લગભગ ૪૮ લાખ શેરડી પકવતા ખેડૂતોને ૨ લાખ ૩૩ હજાર ૭૯૩ કરોડ રૂપિયાથી વધુ શેરડીના વિક્રમી ભાવ ચૂકવ્યા છે.