- આગામી 24 કલાકમાં ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
- ગુજરાતમાં આજે 92 તાલુકાઓમાં વરસાદ મન મૂકીને વરસ્યો
- હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. એ સિવાય રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ખેડામાં પણ સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આજે સવારના 6થી 12 વાગ્યા સુધીમાં 92 તાલુકાઓમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મેઘરાજાએ આજે અનેક વિસ્તારોમાં ધડબડાટી બોલાવતા ક્યાંક મકાનોના છાપરા ઉડી ગયા તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે તો ક્યાંક કોમ્પ્લેક્ષમાં પાણી ભરાઇ જતા વેપારીઓને હાલાકી પડી છે તો ક્યાંક બસ સ્ટેન્ડમાં પણ પાણી ભરાઇ જતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
એ સિવાય રાજ્યમાં રાધનપુરમાં 2.5 ઈંચ, સરસ્વતીમાં 2.5 ઈંચ, પાટણમાં સવા 2 ઈંચ, વિસનગરમાં સવા 2 ઈંચ, વડનગરમાં પોણા 2 ઈંચ, હારીજમાં 1.5 ઈંચ, વિજાપુરમાં 1.5 ઈંચ, પોશિનામાં 1.5 ઈંચ, સાંતલપુરમાં 1.5 ઈંચ, સંતરામપુરમાં 1.5 ઈંચ, મેઘરજમાં 1.5 ઈંચ, મોડાસામાં 1.5 ઈંચ, ઉંઝામાં 1.5 ઈંચ અને હિંમતનગરમાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.