દાહોદ, સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે દાહોદ જીલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરવાની છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા દાહોદ જીલ્લાને રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથના ગામોમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ યોજાશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે મળેલી બેઠકમાં કલેક્ટર યોગેશ નિરગુડે એ જણાવ્યું કે, આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન દાહોદ જીલ્લામાં સો ટકા લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરીને આયોજન સાથે યોજનાની માહિતી લોકો સુધી પહોંચે એ માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની 17 યોજનાઓને આવરી લેવામાં આવી છે. સરકારની યોજનાને સેચ્યુરેશન પોઇન્ટ સુધી લઇ જવા માટે પાત્રતા ધરાવતા એક પણ લાભાર્થી છૂટી ના જાય એ પ્રયત્નો કરવા તેમણે સૂચના આપી હતી. ગામેગામ આ યાત્રાનું સ્વાગત, લાભાર્થીઓની સાફલ્ય ગાથા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ, સર્વે પ્રાંત અધિકારીઓ, નાયબ જીલ્લા વિકાસ અધિકારી મિલીંદ દવે ,જીલ્લા ખેતીવાડી અધિકારી પ્રથિક દવે, સર્વે મામલતદાર ઓ સંબધિત તાલુકા વિકાસ અધિકારી ઓ સહિત, વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.