નવી દિલ્હી ખાતે તાજેતરમાં યોજાયેલા સ્પેશિયલ ઓલિમ્પિક્સની ફ્લોર બોલની રમતમાં ગુજરાતની ટીમની સાત મનોદિવ્યાંગ દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશમાં ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિમાં મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ ક્લસ્ટરની બે દીકરીઓના ઉજ્જવલ પ્રદર્શનનો સમાવેશ હોવાથી રાષ્ટ્રીય કક્ષાએ જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે.
- ફ્લોર બોલની રમતમાં ભારતના ચૌદ રાજ્યોની 98 ખેલાડીઓએ ભાગ લીધો હતો
- ગુજરાતની ટીમની સાત મનોદિવ્યાંગ દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશમાં ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત કર્યું
- ખાનપુર તાલુકાના વડાગામ ક્લસ્ટરની બે દીકરીઓના ઉજ્જવલ પ્રદર્શનનો સમાવેશ હોવાથી રાષ્ટ્રીય કક્ષાએ જિલ્લા અને રાજ્યનું નામ રોશન કર્યું
આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્પેશિયલ ઓલિમ્પિક્સ દ્વારા ન્યુ દિલ્હી ખાતે ફ્લોરબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિસાગર જિલ્લાની બે એથલીટની પસંદગી થઇ હતી. ફ્લોર બોલની રમતમાં ભારતના ચૌદ રાજ્યોની 98 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં ગુજરાત રાજ્યની ફ્લોર બોલની ટીમની સાત દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર દેશમાં નામ રોશન કર્યું છે. આ ટીમમાં મહિસાગર જિલ્લાની વડાગામ ક્લસ્ટરની બે એથલીટ વિરણીયા (ગાંગટા) ગામની સુમિત્રાબેન છગનભાઇ ખાંટ અને વડાગામની દિકરી શર્મિષ્ઠાબેન નરેશભાઈ પગીનો સમાવેશ થાય છે.
ગોલ્ડ મેડલ વિજેતા બંને દીકરીઓને જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટર નેહાકુમારીએ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આ બંને દીકરીઓ સુમિત્રાબેન ખાંટ અને શર્મિષ્ઠાબેન પગીની હિંમત અને ક્ષમતાને બિરદાવી હતી. તેમના કોચ રમેશકુમાર દિનેશચંદ્ર સોલંકી, ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ મેનેજર બાબુભાઈ પરમાર સહિત સમગ્ર ટીમને ગુજરાત રાજ્ય અને મહિસાગર જિલ્લાનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગામી વર્ષ 2025માં ઇટલી ખાતે યોજાનાર સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
અત્રે નોંધનીય છે કે, વડાગામ ક્લસ્ટરના પોતે દિવ્યાંગ હોવા છતાં દિવ્યાંગ બાળકો રમતગમત ક્ષેત્રે આગળ વધે તેના માટે અથાગ પરિશ્રમ કરતા સ્પેશિયલ એજ્યુકેટર રમેશકુમાર સોલંકીના માર્ગદર્શનમાં અગાઉ જર્મનીમાં યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સમાં ફૂટબોલ રમતમાં મહિસાગર જિલ્લાની રમતવીર રાધાબેન મછારે બ્રોન્ઝ મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું હતું. તેમજ તેમના સક્રિય પ્રયત્નો થકી બાર વર્ષની કારકિર્દીમાં અત્યાર સુધી 38 બાળકો જિલ્લા કક્ષાએ, 18 બાળકો રાજ્યકક્ષાએ, 6 બાળકોને રાષ્ટ્રીયકક્ષાએ અને એક આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી ચુક્યા છે.
સમગ્ર મહિસાગર જિલ્લા વહીવટીતંત્ર સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અવનીબા મોરી, બીઆરસી કો.ઓ. રૂપેશ ઉપાધ્યાય, જિલ્લા કો.ઓ. રમણભાઈ, દિવ્યાંગ બાળકોના શિક્ષકોએ આ બંને દીકરીઓ અને તેમના કોચ, મેનેજરને અભિનંદન સાથે પ્રગતિમય ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.